ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અંત્રોલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉષ્માભેર આવકાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

આદિવાસી ઉત્કર્ષ અને ગરીબ-મધ્યમ પરિવારના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભ જનજન સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. ગામેગામ ભ્રમણ કરીને વંચિતો લાભાર્થીઓને આવરીને સો ટકા યોજનાકીય સેચ્યુરશન હાંસલ કરવાના નિર્ધાર સાથે છોટાઉદેપુરના અંત્રોલી ગામે રથ પહોંચતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપૂતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. જ્યાં ગ્રામજનોએ સંકલ્પ રથનું કુમકુમ તિલક કરીને ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

આ પ્રસંગે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામીણ વિકાસને વિશેષ પ્રાધાન્ય આપી શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, આવાસિય સુવિધા, વીજળી-પાણી, ખેતી-પશુપાલન સહિત મહિલા સશક્તિકરણ અને રોજગાર માટે સરાહનીય કામગીરી કરી છે. 

વધુમાં શીશપાલજીએ ઉમેર્યુ કે, આદિવાસી સહિત સમાજના પ્રત્યેક વર્ગના જીવનશૈલીમાં આમુલ પરિવર્તન લાવી આર્થિક સધ્ધરતા પ્રદાન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, પીએમ ઉજ્જવલા યોજના સહિતની અનેકવિધ આશિર્વાદ રૂપ યોજનાઓ અમલી બનાવી છે. આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનિમિયા જેવા રોગને નિયંત્રિત કરવા યોગ્ય આરોગ્ય ઉપચાર, બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાળાઓ, શિષ્યવૃત્તિ યોજનાઓ, શાળાઓ ઉપલબ્ધ કરાવીને જેનો લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી નોંધાવવા શિશપાલજીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ ગ્રામજનોએ સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી, સરકારના કાર્યો-ઉપલબ્ધિઓની ઝાંખી દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત સર્વે ગ્રામજનોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વર્ષ 2047 વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવાની સામુહિક શપથ લીધા હતા.

આ પ્રસંગે શીશપાલજીએ છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકાને ૫ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યુ હતુ. ઉપરાંત ઉજ્જ્વાલા યોજના, કિસન ક્રેડીટ કાર્ડ, આંગણવાડી સહિત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. 

છોટા ઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ પણ આ પ્રસંગે ગ્રામજનોને સરકારની અનેકવિધ યોજનાકીય માહિતી અને લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. જ્યાં વડાપ્રધાનએ ડ્રોન તકનીક સાથે મહિલા સ્વ-સહાય જૂથોના સશક્તિકરણ માટે ડ્રોન દીદી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. વધુમાં પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના હેઠળ બજારની મોંઘી અને બ્રાન્ડેડ દવાને બદલે ૫૦ થી ૯૦ ટકા સસ્તા દરે ગુણવત્તાયુક્ત અને અસરકારક જેનરિક દવાઓનો જન ઔષધિ કેન્દ્રો પરથી પ્રાપ્ત કરવા આહ્વાન કર્યુ હતુ. આ વેળાએ વડાપ્રધાનશ્રીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેના ચાર મજબુત સ્તંભ તરીકે ગણાવ્યા હતા. 

  કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, કલેકટર સુ સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પ્રાયોજના અધિકારી સચિન કુમાર, શંકરભાઈ રાઠવા સહિતના અન્ય પદાધિકારીઓ, નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારી -કર્મયોગીઓ, લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.                          

Related posts

Leave a Comment