‘સ્વચ્છતા હી સેવા’
હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યભરમાં આગામી બે મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.
રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ ‘સફાઈ અભિયાન’ અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભાવનગરના હેરિટેજ સ્થળોમાંનું એક મોતીબાગ ટાઉનહોલ ખાતે આજરોજ સફાઇ અભિયાનમાં જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા અને કમિશ્નર એન. વી. ઉપાધ્યાય સહભાગી થયા હતા.
આજ રોજ ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ 07 નવાપરા તખ્તેશ્વર વોર્ડમાં આવેલ હેરિટેજ સ્થળ મોતીબાગ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આયોજિત સ્વચ્છતા ઝુંબેશમાં કલેકટર આર. કે. મહેતા, કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, નાયબ કમિશનર એમ.આર.બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ કમિશનર ફાલ્ગુનભાઈ શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર વ્યાસ,અધિક મદદનીશ ઇજનેર મહેન્દ્રભાઈ, વિકાસભાઈ, અંકિતાબેન, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર જીતેન્દ્રભાઈ અને ગૌતમભાઈ તેમજ અન્ય સ્ટાફ પણ આ ઝુંબેશમાં જોડાયો હતો.
અત્રે નોંધનીય છે ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું બનાવવાના હેતુસર આગામી બે માસ સુધી આ સફાઈ અભિયાન દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેકવિધ કાર્યક્રમો થશે.