સોલાર રૂફટોપ યોજના “સૂર્ય ગુજરાત”
હિન્દ ન્યુઝ, ભુજ
વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ અને કોલસા જેવાં મર્યાદિત પરંપરાગત ઊર્જાસ્રોતનો વપરાશ ઘટાડીને તેના સ્થાને પવન ઊર્જા, સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો વપરાશ વધારવા પર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી જ એક યોજના એટલે ‘સોલાર રૂફટોપ’ ‘સૂર્ય ગુજરાત’ યોજના. જેના થકી આજે સોલાર ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. સોલાર વીજ ઉત્પાદનમાં દેશભરમાં ઉત્પન્ન થતી વીજળીમાં ૮૦ ટકા વીજળી ગુજરાત ઉત્પન્ન કરે છે.
હાલ ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનામાં ઘર વપરાશના વીજ ગ્રાહકોની નોંધણી અને વીજક્ષમતા વિશે પૂછાયેલા પ્રશ્નની વિગતો રજૂ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ કચ્છ જિલ્લામાં ઘર વપરાશ માટે સોલાર રૂફટોપ યોજના માટે કુલ ૭,૭૩૬ વીજગ્રાહકોની નોંધણી થયેલ છે, જેની કુલ વીજક્ષમતા ૩૧,૬૩૨ કિલોવોટ જેટલી થાય છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ઑગસ્ટ ૨૦૧૯થી શરૂ થયેલી સોલાર રૂફ ટોપ ‘સૂર્ય ગુજરાત’ યોજના અંતર્ગત આપવામાં આવતી સબસીડી અંતર્ગત ઊર્જામંત્રીએ માહિતી આપી હતી કે રહેણાંક વિસ્તાર માટેની આ યોજનામાં ત્રણ કિલોવોટ સુધી ૪૦ ટકા, ત્રણ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસીડી આપવામાં આવે છે. ૧૦ કિલોવોટથી વધુ કિલોવોટ પર સબસીડી મળવાપાત્ર નથી. આ યોજના થકી વીજગ્રાહકોના વીજબીલમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.