ગીર સોમનાથ ખાતે ‘ધમાલ નૃત્ય’ જેવી સીદી સંસ્કૃતિના ચિત્રોથી સજાવાયું‘ વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 વિધાનસભાના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારો આતુર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૯૧-તાલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુરમાં આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું વસુધૈવ કુટુમ્બકમ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ બૂથમાં લીલી વેલ અને સૂર્યના ચિત્રો વચ્ચેના લખાણ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી મતદારોને મીઠો આવકાર મળશે. વસુધૈવ કુટુમ્બકમ જેનો મતલબ થાય છે કે આખી પૃથ્વી મારો પરિવાર છે. આપણો ઈતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે કે ભારત અન્ય દેશની ભાષા અને ધર્મને સ્વીકારીને તેમજ રૂપરંગ, ખાનપાન અને વેશભૂષા વગેરે સંસ્કૃતિનો આદર કરીને વિવિધ સંસ્કૃતિનો સંગમ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીદી સમુદાય માટે માધુપુર ખાતે ઉભું કરાયેલું મથક આ બાબતની સાક્ષી પૂરે છે.

આ ઉપરાંત આ વિશિષ્ટ મતદાન મથકમાં એક વિશેષ મંડપ તૈયાર કરાયો છે. જેમાં સીદી સમાજને લગતા વાદ્યોતેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવશે અને સીધી સમાજના સદીઓ જુના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરવામાં આવશે.

આ મતદાન મથકોના મહત્તમ મતદારો આફ્રો-એશિયન સીદી સમુદાય સાથે સંકળાયેલા છે. જે ભારતમાં ૧૪ મી થી ૧૬ મી સદીમાં આવીને વસેલા હતા. મતદાન મથકમાં વૃક્ષ તેમજ તોરણના ચિત્ર વચ્ચે લોકશાહીના મહાપર્વમાં આપનું સ્વાગત છે લખાણ કરવામાં આવ્યું છે. આ સિવાય બૂથની બહાર વિધાનસભા ચૂંટણીમાં ગીરની શાન સમા સિંહને દર્શાવતું વનરાજ ધ મેસ્કોટ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેનું જંગલમાં રાજા હું, ચૂંટણીમાં રાજા મતદાર લખાણ લોકોમાં મતદાન અંગેની જાગૃતિનું બહોળા પ્રમાણમાં પ્રસરણ કરી રહ્યું છે.

Related posts

Leave a Comment