હિન્દ ન્યુઝ, બોટાદ
કેન્દ્ર સરકારનાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની(National Nutrition Month) ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ રાજ્યભરમાં તા. 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લાભાર્થીઓ સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ અંગે જાગૃતિ લાવવી, જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવી અને જન-ભાગીદારી સુનિશ્ચિત કરવાનો તેમજ તાલુકા કક્ષાનાં પણ તમામ લાભાર્થીઓને સહભાગી બનાવીને પોષણ માસનું નિદર્શન તથા સંપરામર્શ કરવાનો છે.
મહત્વનું છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે તા. 08 માર્ચ, 2018ના રોજ ‘પોષણ અભિયાન’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કર્યો હતો. ત્યારે જનસમુદાય સુધી પોષણ અને આરોગ્યનાં અર્થપૂર્ણ સંદેશાઓ પહોંચાડવા અને સરકારના ‘સુપોષિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “હર ઘર મેં પોષણ” નાં સંકલ્પને સિદ્ધ કરવા માટે સરકાર દ્વારા અવિરતપણે કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે સગર્ભાઓ, માતાઓ, બાળકો તેમજ કિશોરીઓ માટે ખાસ યોજનાઓ કાર્યરત છે. ગુજરાતને પોષણયુક્ત બનાવવા પોષણ અભિયાનને જન અભિયાન બનાવવામાં આવ્યું છે. બાળકો, કિશોરીઓ તેમજ મહિલાઓ માટે પોષણયુક્ત આહાર તેમની આદત બને તે માટે આ અભિયાન દ્વારા આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ