હિન્દ ન્યુઝ, ભુજ
આજરોજ કલેક્ટર પ્રવીણા ડી.કે અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ અંજાર ખાતેના ગૌવંશ લમ્પી હંગામી હોસ્પિટલ આઇસોલેશનની જાત મુલાકાત લઈ માવજત-સેવાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જાત માહિતી મેળવી હતી. અંજાર શહેર તેમજ આસપાસના મુંદ્રા, થરાવડા, નાગલપર, નગાવાલડીયા, સાપેડા, સગારીયા, સિનોગ્રા, ખંભરા જેવા ગામોની લમ્પી રોગ અસરગ્રસ્ત ગાયોની અંજાર આઈસોલેશન સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે.
કલેકટર પ્રવીણા ડી.કે.એ સ્વયં જાત નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે, ગૌ સંવર્ધન પશુ માટે સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સમાજના અન્ય સંગઠનોના સહયોગથી ગૌ પશુ સંવર્ધનની માવજત અને સારવારની કામગીરી કરાઈ રહી છે. સેવા ભાવિઓ અને તબીબોની કામગીરીના પગલે જિલ્લામાં સુધારાત્મક અસર જોવા મળી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના જણાવ્યા અનુસાર હાલમાં ૪.૨૦ લાખ ગાયોમાં રસીકરણ કરાયું છે ૪.૬૦ લાખ ગાયો સુરક્ષિત છે. અહીં અંજારમાં ૮૪માંથી ૨૪ ગાયો ગંભીર હાલતમાં છે તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
બે માસથી પ્રારંભ લમ્પી હંગામી હોસ્પિટલ માટે સ્થાનિક પંકજભાઈ કોઠારીએ વિશાળ જગ્યા ફાળવી છે તેમજ દસ માણસોનો પગાર પણ ચૂકવી રહ્યા છે. તેનો તમામ દૈનિક ખર્ચ પણ તેઓ ઉઠાવી રહ્યા છે. સેવાના આ યજ્ઞમાં અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ, ભારત વિકાસ પરિષદ, સંવેદના ગૌ સેવા ગ્રુપ, સેવા સમર્પણ ટ્રસ્ટ, હિંદુ યુવા સંગઠન, કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ, સેવા સાધના, રાધે સંવેદના ગ્રુપના સ્વયં સેવકો પણ વિવિધ સેવાઓ આપી રહ્યા છે.
ગૌવંશ હોસ્પિટલના પશુ રોગ નિષ્ણાંત ડૉ.પઢીયાર અને ડો.ગીરીશ પરમારના માર્ગદર્શન હેઠળ ગૌ પ્રેમીઓ સેવા આપી રહ્યા છે. વહીવટી તંત્ર, પશુપાલન દ્વારા અહીં ૬ ડોક્ટરોને ચાર વાહનો ફાળવવામાં આવ્યા છે. સરકાર દ્વારા પણ અહીં જરૂરી દવા અને સારવાર ચાર વાહનો સાથે પૂરી પાડવામાં આવી રહી છે એમ જિલ્લાના પશુચિકિત્સક ડો.હરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું. તેઓ જણાવે છે કે કચ્છમાં લમ્પી ગ્રસ્ત ગાયોમાંથી ૯૪% ગાયોને રોગમાંથી રિકવરી જોવા મળે છે. અંજાર તાલુકામાં ચાંદરાણી, મોટી નાગલ પર બે અને અહીં અંજારમાં થઈ ત્રણ લમ્પી આઇસોલેશન સેન્ટર કાર્યરત છે. જ્યારે જિલ્લામાં કુલ ૧૪ આઇસોલેશન સેન્ટર કાર્યરત છે. તેઓની સ્થાનિકોને અપીલ છે કે લમ્પીગ્રસ્ત ગાયોને છૂટી કે ફરતી ના મુકતા અંજાર ગૌવંશ લમ્પી હોસ્પિટલમાં દાખલ કરાવે. આ તકે હોસ્પિટલના તબીબો સ્વયંસેવકો અને જોડાયેલ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા