મુખ્યમંત્રીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુરનાં પ્રાદેશિક કેન્દ્રોના ભવનનું ભૂમિપૂજન

હિન્દ ન્યુઝ, ભાવનગર
        ગુજરાત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુરનાં પ્રાદેશિક કેન્દ્રોના ભવનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ને NAACમાં મળેલ A++ રેન્ક બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રાજ્ય માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. શિક્ષણે લોકો સુધી પહોંચવું જોઈએ, એવા સ્વામી વિવેકાનંદના વિચારને BAOU ચરિતાર્થ કરી રહી છે અને રાજ્યના ઘરે ઘરે જ્ઞાનની ગંગા પહોંચાડી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ BAOU દ્વારા છેવાડેના લોકો, મહિલાઓ, દિવ્યાંગો તથા ખાસ કરીને ટ્રાન્સજેન્ડરને શિક્ષિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ સમય સાથે ચાલીને દ્રોણાચાર્ય સેન્ટર કે એકલવ્ય પોર્ટલ થકી રાજ્યના લોકોને ઘરે બેઠા બેઠા જ્ઞાનની ગંગામાં ડૂબકી મારવાની તક પૂરી પાડી રહી છે. પ્રાદેશિક કેન્દ્રો થકી છેવાડેના લોકો સુધી શિક્ષણ આસાનીથી પહોંચી શકશે, એવી આશા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં દૂરવર્તી શિક્ષણનું મહત્ત્વ વધવા પામ્યું છે. રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. રાજ્યમાં 20 વર્ષ પહેલાં માત્ર 11 યુનિવર્સિટીઓ હતી, આજે આ સંખ્યા વધીને 102એ પહોંચી છે. ઊર્જાથી થનગનતા યુવાનોને શિક્ષણ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સૌને સહભાગી થવા સાથે મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત કાળને કર્તવ્ય કાળમાં પરિવર્તિત કરવા આહ્વાન આપ્યું હતું. અને જ્ઞાનના અમૃતને BAOU જેવી યુનિવર્સિટી રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડશે, એવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને NAACમાં મળેલ A++ રેન્ક બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રાજ્યની કોઈ યુનિવર્સિટી રેટિંગ અને રેન્કિંગમાં પાછળ ન રહે એ માટે મુખ્યમંત્રીના હસ્તે ગરિમા સેલ સ્થપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના સકારાત્મક અભિગમ, સતત સહયોગ અને માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે અનેક આયામો સિદ્ધ થઈ શક્યા છે. રાજ્યની યુનિવર્સિટીઓની તમામ જરૂરિયાત પૂરી કરવા સરકાર પ્રતિબદ્ધ છે, એવું શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું. જીતુભાઈ વાઘાણીએ BAOUનાં પ્રાદેશિક કેન્દ્રો થકી છેવાડાના લોકો સુધી શિક્ષણ પહોંચશે, એવી આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે BAOU દ્વારા અત્રિ સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટર, ગુરુકુળ મૉડલ લર્નર સપોર્ટ સેન્ટર, ગાર્ગી સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઑફ વિમેન, દ્રોણાચાર્ય સેન્ટર ફોર સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન્સ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ જેવી પહેલો ઉપરાંત પ્રોફેશનલ-વોકેશનલ અભ્યાસક્રમો થકી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાદેશિક કેન્દ્રો થકી જેમના સુધી અત્યાર સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચી શક્યું નથી, તેમના સુધી પહોંચશે.
શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્ર પર ખૂબ ફોકસ કર્યું હતું, જેને પરિણામે ગુજરાત આજે એજ્યુકેશન હબ બની ગયું છે અને આવનારા સમયમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ચમકી ઊઠશે, એવી આશા છે.
આ પ્રસંગે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયે સૌનું સ્વાગત કરવા સાથે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સતત સહયોગ અને માર્ગદર્શન થકી જ BAOUને NAACમાં A++ ગ્રેડ પ્રાપ્ત થઈ શક્યો છે, એ બદલ સમગ્ર યુનિવર્સિટી મુખ્યમંત્રી અને ગુજરાત સરકારની આભારી છે. રાષ્ટ્રનિર્માણ માટે આપણે સૌએ શિક્ષણ થકી જાગૃત થવાનું છે અને છેવાડેના લોકો સુધી, વંચિતો અને દિવ્યાંગો સુધી શિક્ષણ પહોંચાડવા BAOU પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે ભારતીય શિક્ષા મંડળ – યુવા આયામ અને રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુભાષ-સ્વરાજ-સરકાર સંશોધન પેપર લેખન સ્પર્ધાનું પોસ્ટર મુખ્યમંત્રીના હસ્તે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન સમારંભમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ.જે. હૈદર, ઉચ્ચ શિક્ષણના કમિશનર એમ. નાગરાજન ઉપરાંત ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ ટીચર્સ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી વગેરેના કુલપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment