હિન્દ ન્યુઝ, ભાવનગર
આજકાલ રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ રથ ફરી રહ્યો છે. પણ આજે આપણે એવાં ગામની વાત કરવી છે કે, જે ગામની ૪૨૫ ટ્રકોના પૈડા ગામના વિકાસ રથ સાથે ભાવનગર જિલ્લા અને તે સાથે રાજ્યના વિકાસ રથને હાંકી રહ્યાં છે. ભાવનગર જિલ્લાના ભાવનગરથી નજીકમાં જ કરદેજ ગામ આવેલું છે. આ ગામ ૭,૦૦૦ થી વધુની વસતિ ધરાવે છે. જેમાંથી મોટાભાગની વસતિ આહિરોની છે અને આ ગામના આહિરો મોટાભાગે ટ્રક ધરાવે છે. અને ટ્રાન્સપોર્ટેશન એ જ મોટા ભાગે તેમનો ફુલટાઇમ બિઝનેસ છે. બાકીના લોકો ખેતીનો વ્યવસાય કરે છે. ગામ હોય અને આટલી બધી ટ્રકો હોય તે વિચારવાં જેવી વસ્તુ છે અને આટલી બધી ટ્રકોનો વ્યવસાય કઇ રીતે ચાલે છે તે પણ વિચારવાં લાયક છે. આ અંગે ગામના સરપંચ વાલાભાઇ દેસુરભાઇ ડાંગર જણાવે છે કે, અમારું ગામ પ્રગતિશીલ છે તેની પાછળ રાજ્ય સરકારની નીતિઓ છે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે તેના કારણે આજે મારા ગામનો વિકાસ ફુલ્યોફાલ્યો છે તેમણે જણાવ્યું કે, મારી ઉંમર આજે ૪૭ વર્ષ છે પરંતુ મારા જન્મ પહેલાંથી મારા ગામમાં ટ્રકો છે. એનું કારણ આપતાં કહે છે કે, તે સમયમાં ભાવનગર ખાતે જૂનું બંદર હતું એટલે વહાણમાં આવતાં માલસામાનને લાવવાં- લઇ જવાં માટે ટ્રકની જરૂર પડતી હતી. તેથી અમારા ગામનો ટ્રકનો ધંધો આઝાદી પહેલાથી ચાલે છે.
૧૯૮૨ માં રાજ્ય સરકાર દ્વારા અલંગમાં જહાજવાડો બનતાં જહાજમાંથી નિકળતાં માલસામાનની હેરફેર માટે ટ્રકોની જરૂર પડતાં ગામમાં ટ્રકોની સંખ્યા વધવાં લાગી. આ ઉપરાંત તગડી, મોરચંદ ગામમાં જી.એમ.ડી.સી.નો લિગ્નાઇટ પ્લાન્ટ શરૂ થતાં કોલસાની હેરફેર માટે વધુ ધંધો વધ્યો. આ ઉપરાંત શિહોર ખાતે આવેલ લોખંડની રોલિંગ મીલોને કારણે અમારી ટ્રક આધારિત રોજીરોટી ખૂબ ચાલવાં લાગી.
આજે અમારા ગામમાં નાની ટ્રકથી માંડીને મલ્ટીએક્સલ ટ્રક સુધીની તમામ રેન્જની ટ્રકો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા આ ભાવનગર જિલ્લામાં થયેલાં વિકાસના કાર્યોને કારણે અમારી ટ્રકના પૈડા રોકાતાં નથી. પૈડા ચાલવાં સાથે આર્થિક ચક્ર પણ ચાલતું રહે છે. આજે કરદેજ ગામમાં વંદે ગુજરાતના રથમાં વિકાસ યાત્રા આવી છે ત્યારે અમારી ટ્રક પરની સવારીની યાત્રા તો બહું પહેલાંથી ચાલી આવે છે અને રાજ્યની વિકાસ યાત્રાને કારણે અમારો વિકાસ રથ પણ ખેંચાઇ રહ્યો છે. આમ, રાજ્ય સરકારની વિકાસોત્મુખ નીતિઓને કારણે આજે ગામડાઓ બેઠાં નથી થયાં પણ વિકાસની દોડ પણ લગાવી વિકાસની હરણફાળ ભરી રહ્યાં છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી ભાવનગર
