હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે “સેવાની શતાબ્દી” થઇ છે. ડિસેમ્બર ૨૦૨૧ થી શરૂ થયેલ અંગદાનને ૧૩ મહિના પૂર્ણ થયા.આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં ૩૪ વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી ૧૦૫ અંગો મળ્યા જેણે ૯૦ લોકોને નવજીવન આપ્યું. આ ૧૦૫ અંગોમાં ૫૧ કિડની, ૨૯ લીવર, ૫ સ્વાદુપિંડ ૬ હ્યદય , ૨ હાથ અને ૬ જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ અતિમહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડામય અને સંધર્ષપૂર્ણ જીવન વ્યતિત કરી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાઇ છે અને વર્ષોની પીડાનો અંત આવ્યો છે. અત્રે મહત્વની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં ૨ બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. ક્રમશ વિગતો જોઈએ તો, દાહોદના ૩૦ વર્ષીય ચીમનભાઇ બારીયાનું ૩૦ મી જાન્યુઆરીએ અકસ્માત થતા પ્રાથમિક સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ૩૧ મી જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા . જ્યા સારવાર દરમિયાન 2 જી ફેબ્રુઆરીના રોજ તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવી. બ્રેઇનડેડ ચીમનભાઇની બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી છે. 34 માં અંગદાનમાં 61ની વયના અશોકભાઇ મારૂ ને 2 જી ફેબ્રુઆરીએ ઘરે ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ સ્થિતિ વણસતા સિવિલ હોસ્પિટલમા 2 જી ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન 4 થી ફેબ્રુઆરીના રોજ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોને અંગદાનનો નિર્ણય હાથ ધર્યો. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અશોકભાઇના અંગોને રીટ્રાઇવ કરતા બંને કિડની અને લીવર નું દાન મેળવવામાં સફળતા મળી. આ અગાઉ અમદાવાદના 41 વર્ષીય મનહરભાઇ ડાભીનું ધોળકામાં અકસ્માત થતા તેઓને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તેઓ બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા બંને કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ જાય તેના કરતા કોઇ જરૂરિયાતમંદને અંગો ઉપયોગી થાય અને જીવનમાં બદલાવ લાવવામાં મદદરૂપ બને તે માટે અંગદાન જરૂરી છે.
અમારી SOTTOની ટીમ દ્વારા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવે છે. દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલી અમારી ટીમના અથાગ પરિશ્રમોના પરિણામે જ કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ 13 મહિનાના ટૂંકા ગાળામાં 105 અંગદાનની અપ્રતિમ સફળતા મળી છે. રાજ્યમાં અંગોનું વેઇટીંગ ઘટે જીવંત વ્યક્તિને અંગદાન કરવાની જરૂર પડે નહીં, બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો અંગદાન માટે પ્રેરાય તે ઉમદા હેતુથી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે અંગદાન માટેનો સેવાયજ્ઞ આદર્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શન અને રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે સેવાની શતાબ્દી પૂર્ણ થઇ છે.