હિન્દ ન્યુઝ, આણંદ
નવોદય વિદ્યાલય સમિતિ શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા ધોરણ છ માં પ્રવેશ માટેની પરીક્ષા આગામી તા.૨૮/૧૧/૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય તેમ જ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા (G.A.S) દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ તા.૨૮/૧૧/૨૦૨૬ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૧૪-૦૦ કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સામેલ યાદી મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રતિબંધાત્મક આદેશો ફરમાવવામાં આવ્યા છે.
જે અન્વયે પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારો પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમ્યાન પ્રવેશ કરી શકશે નહી.
આ જાહેરનામા મુજબ પરીક્ષાના દિવસો દરમિયાન સવારના ૧૧-૦૦ થી બપોરના ૧૪-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થી તેમજ સરકારી પ્રતિનિધિ સિવાયના પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો જેમ કે AI-enabled Meta Glasses, Bluetooth-enabled Earpiece, Miniature Spy Camera વગેરે સાથે લઇ પરીક્ષા બિલ્ડિંગમાં પ્રવેશ ન કરવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે.મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવા પણ જણાવાયું છે.
વધુમાં પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા તથા ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવા કે બોલાવવા અથવા સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ અને પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજોનો હવાલો સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમિયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.
આ જાહેરનામું આણંદ જિલ્લામાં ગુજરાત નવોદય વિદ્યાલય સમિતિ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ધોરણ-૬ માં પ્રવેશ માટેની પરીક્ષા માટે સામેલ યાદી મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપર લાગુ પડશે, તેમજ આ હુકમનો ભંગ કરનાર ઇસમ શિક્ષાને પાત્ર થશે.
