હિન્દ ન્યુઝ, વેરાવળ
ગીરનારની લીલી પરિક્રમા અને સોમનાથ જ્યોતિર્લિંગના આંગણે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના મેળાના અવસરે વેરાવળ એસ.ટી.ડેપોમાં મહત્તમ ટ્રાફિક નોંધાયો હતો. આ બન્ને અવસરે એક્સ્ટ્રા સંચાલન થકી એસ.ટી.એ મુસાફરોને સરળ અને સુગમ પરિવહન સેવા સુવિધા પૂરી પાડી સાત દિવસમાં રુ. એક કરોડથી વધુની આવક રળી હતી.
તા.૧૯/૧૧/૨૦૨૬ થી તા.૨૫/૧૧/૨૦૨૬ દરમિયાન તમામ વાહનોમાં મહત્તમ ટ્રાફિક રહેવાના કારણે આ દિવસો દરમિયાન વેરાવળ ડેપોની કુલ આવક રૂ. ૧,૦૫,૧૧,૯૦૮ જેટલી થઈ હતી એમ એસ.ટી.ડેપો મેનેજર શ્રી દિલીપ શામળા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
એસ.ટી.ડેપો મેનેજર શ્રી દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર અને કન્ડક્ટર્સે સતત સંચાલન અને એક પણ અકસ્માત કે એક પણ બ્રેક ડાઉન થયા વગર સલામત સંચાલન કર્યું હતું. તેમજ મિકેનિક સુપર વાઇઝરો , મિકેનીકલ સ્ટાફ દ્વારા વાહનોની યોગ્ય જાળવણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા ૧૦૫ વાહનોનો ઉપયોગ કરીને ૪૪૨ ટ્રીપ સાથે ૫૭,૭૪૮ વધારાના કિલોમીટરનું સંચાલન કરી અને ૨૦,૪૨૫ મુસાફરોને વધારાની સુવિધા પૂરી પાડી અને રૂ. ૨૭,૮૮,૫૬૭ વધારાની આવક મેળવી હતી.
આ સાથે જ ટ્રાફિક સુપર વાઇઝરો , ટ્રાફિક સ્ટાફ , વહીવટી સ્ટાફ દ્વારા સતત મોનિટરીંગ કરાયું હતું અને નિગમના ત્રણેય સંગઠનોના આગેવાનોએ પણ સહકાર પૂરો પાડ્યો હતો. આવી જ રીતે એક ટીમ વર્કથી કામગીરી કરી મુસાફરલક્ષી સેવામા વધારો કરવા તેમણે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વેરાવળ ડેપોના ડ્રાઇવર અને કન્ડક્ટર દ્વારા લાંબી મુસાફરી વાળા યાત્રિકોને પોતાના વતન પહોંચાડવા માટે સતત રાત-દિવસ જોયા વગર તા. ૧૬/૧૧/૨૦૨૬ થી તા. ૨૪/૧૧/૨૦૨૬ સુધી સંચાલન કરી પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
ડ્રાઈવર્સ અને કંડક્ટરની મહેનતનો ફાળો આ વધારાની આવકમાં મહત્તમ રહ્યો હતો. આ તમામ ડ્રાઈવર-કંડકટરની ઉત્કૃષ્ટ કામગીરી માટે ડેપો મેનેજરશ્રીએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
