હિન્દ ન્યુઝ, બોટાદ
ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકા અનુસાર મતદારોને સરળતા, સુવિધા અને સુગમતા રહે તે હેતુથી બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાન મથકોના સ્થળમાં ફેરફાર, મતદાન મથકોનું મર્જર તેમજ નવા મતદાન મથકોનો ઉમેરો કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન મતદારોને મતદાન માટે નજીકના અને સુવિધાજનક સ્થળે મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થાય, મતદાન મથકો પર મતદારોની સંખ્યાનું યોગ્ય સંચાલન થાય તેમજ મતદાન પ્રક્રિયા સરળતાથી હાથ ધરાય તે હેતુથી મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવેલ છે.
૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૨૧ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદારોની સુવિધા અને મતદાન મથકોની વ્યવસ્થાના હેતુથી નીચે મુજબ ફેરફારો કરવામાં આવેલ છે. મૂળધરાઇ-૨ મતદાન મથકના મતદારોનો સમાવેશ મૂળધરાઇ-૧, હળીયાદ-૩ મતદાન મથકના મતદારોનો સમાવેશ હળીયાદ-૧ અને હળીયાદ-૨ મતદાન મથકોમાં કરવામાં આવ્યું છે. નવા રામપરા અને બજુડ-૨ને નવા મતદાન મથકો ઉમેરવામાં આવ્યા છે.
૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકોના પુનર્ગઠન અંતર્ગત નીચે મુજબ ફેરફારો કરવામાં આવેલ છે. જેમાં ૦૫ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે. ૧૦ મતદાન મથકોને મર્જ કરવામાં આવેલ છે. રતનવાવ ખાતે નવા મતદાન મથકનો ઉમેરો કરવામાં આવેલ છે. આ ફેરફારો મતદારોની સુવિધા, મતદાન મથકોની ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન વ્યવસ્થાના સુચારુ સંચાલનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે.
મતદારો પોતાના મતદાન મથકની વિગતો સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરી તથા પ્રસિદ્ધ કરવામાં આવેલ મતદાન મથકોની આખરી યાદીમાંથી મેળવી શકશે.
