હિન્દ ન્યુઝ, ભીલડી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબર, 2026 શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર જમીનમાં રૂપિયા 325 કરોડના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) દેશના પશુપાલકોને અર્પણ કરશે.
🔸 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેક્નિકલ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ની મદદથી આકાર પામેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારવામાં અને ડેરી વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે
🔸 આધુનિક ટેક્નોલોજીથી દર વર્ષે 25 હજાર ઉત્તમ વાછરડાં તૈયાર કરાશે; બનાસકાંઠામાં બન્યું ભારતનું અદ્યતન બ્રીડિંગ સેન્ટર
🔸 બનાસની ધરતી પરથી કાંકરેજ, ગીર, સાહીવાલ, થારપારકર તથા મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ જેવી ઉત્તમ ગાય-ભેંસોની ઓલાદો તૈયાર થશે
🔸 ભીલડી BBBRC સેન્ટર શ્વેત ક્રાંતિમાં આધુનિક વિજ્ઞાનનો નવો અધ્યાય લખશે અને દેશી ગૌવંશ સંવર્ધન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી દિશા ચીંધશે : ચેરમેન શંકરભાઈ ચૌધરી
