હિન્દ ન્યુઝ, જામનગર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વિદ્યાર્થિનીઓ માટે અંદાજે રૂ. ૨૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ આરોગ્ય વિભાગના ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વર્ષ ૧૯૯૧માં સ્થપાયેલી સરકારી ડેન્ટલ કોલેજ ખાતે હાલ સ્નાતકના ૧૨૫ તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓના અભ્યાસ અને એડમિશનને ધ્યાને રાખીને, જામનગર જિલ્લાના વરિષ્ઠ નેતાશ્રીઓના સઘન પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ ૧,૨૧,૧૮૧ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં પથરાયેલી G + 7 માળની આ આધુનિક બિલ્ડીંગમાં ૧૬૫ રૂમો બનાવવામાં આવ્યા છે, જેમાં ૩૩૦ વિદ્યાર્થિનીઓ રહી શકશે. આ હોસ્ટેલમાં દરેક રૂમમાં જરૂરી ફર્નિચર, બે હાઇ-સ્પીડ લિફ્ટ, સેન્ટ્રલ આર.ઓ. પ્લાન્ટ, સુસજ્જ મેશ, લોન્ડ્રી, વેટિંગ એરિયા, રેક્ટર ક્વાર્ટર, પાર્કિંગ તેમજ સુરક્ષા માટે અદ્યતન ફાયર સેફ્ટીની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ નવીન હોસ્ટેલથી વિદ્યાર્થિનીઓને સુરક્ષિત, સુવિધાયુક્ત અને શૈક્ષણિક વાતાવરણને અનુરૂપ આવાસ સુવિધા પ્રાપ્ત થશે, જે સંસ્થાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાની સાથે તબીબી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી શ્રીમતી રિવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી તથા હેમંતભાઈ ખવા, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી તથા શહેર પ્રાંત અધિકારી એસ.ડી.બારડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
