હિન્દ ન્યુઝ, સુરત
જીવનમાં કેટલીક લડાઈઓ એવી હોય છે, જેમાં જીત મેળવવા માટે દર્દીની હિંમત, પરિવારની આશા અને તબીબોની નિષ્ઠા એકસાથે કામ કરે છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે, જ્યાં સચિન વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય રાહુલ કુમારે ધનુર (ટિટેનસ) જેવા ગંભીર રોગ સામે દોઢ મહિના સુધી જંગ લડીને સ્વસ્થતા તરફ આગળ વધવામાં સફળતા મેળવી છે. ૨૮ દિવસ સુધી આઈ.સી.યુ.માં વેન્ટિલેટર પર રહીને સઘન સારવાર મેળવનાર રાહુલની આ સફર તબીબોની કુશળતા, સમર્પણ અને સતત દેખરેખનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં રહેતા રાહુલ કુમારને પગના ભાગે ઈજા થઈ હતી. ત્યારબાદ તેમના પિતા તેમને નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. જોકે, સમય જતાં રાહુલને ધનુર રોગનાં લક્ષણો જણાતાં તેમના જડબામાં જકડાશ આવી ગઈ હતી અને ચાલવામાં પણ ભારે મુશ્કેલી થવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ધનુર એક ગંભીર રોગ છે, જે શરીરના સ્નાયુઓમાં તીવ્ર જકડાશ અને ખેંચાણ પેદા કરી શકે છે. ગંભીર સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ ઊભી થવાથી દર્દીને સઘન સારવાર અને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી શકે છે. રાહુલની સ્થિતિ પણ ગંભીર હોવાથી તેમને આઈ.સી.યુ.માં દાખલ કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
નવી સિવિલ હોસ્પિટલના ડૉ.ત્વિષા, ડૉ. વ્રજ સહિત મેડિસિન વિભાગના રેસિડેન્ટ તબીબોની ટીમે રાહુલની સારવારમાં સતત પ્રયત્નો કર્યા હતા. તબીબો અને નર્સિંગ સ્ટાફની સઘન દેખરેખ, સમયસરની સારવાર અને અથાગ મહેનતના પરિણામે રાહુલની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો હતો.
લગભગ દોઢ મહિના સુધી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ રાહુલ હવે સંપૂર્ણપણે ભાનમાં છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. લાંબા સમય સુધી આઈ.સી.યુ.માં વેન્ટિલેટર સપોર્ટ પર રહ્યા બાદ તેમની સ્થિતિમાં આવેલો સુધારો સારવાર સાથે સંકળાયેલી ટીમ માટે પણ મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
આ સમગ્ર સારવારમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબો, મેડિકલ રેસિડેન્ટ્સ અને નર્સિંગ સ્ટાફની સંકલિત કામગીરી મહત્ત્વપૂર્ણ રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિના સુધી ચાલેલી સારવાર બાદ રાહુલની તબિયતમાં સુધારો આવ્યો છે.
