હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં તલાવચોરા, ઘેજ, ચરી અને સોલધરા ગામોમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસકાર્યોના અમલીકરણથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ, શિક્ષણ, બાળપોષણ અને પાયાની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ અને બાળવિકાસ સહિતની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ દ્વારા રસ્તા, પુલ, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો અને શૈક્ષણિક સુવિધાઓ જેવા પાયાના વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વિકાસનો સાચો અર્થ ત્યારે સાકાર થાય છે જ્યારે ગામડાના સામાન્ય નાગરિક સુધી સારી સુવિધાઓ પહોંચે.
વધુમા નરેશભાઈએ કહ્યું કે, આજે શરૂ થયેલા કામો પૂર્ણ થયા બાદ ગામોને વધુ સારી માર્ગ સુવિધા મળશે, પરિવહન સરળ બનશે, બાળકોને આધુનિક અને ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડીનો લાભ મળશે અને ગ્રામ પંચાયત જેવી સંસ્થાઓ વધુ સક્ષમ રીતે કાર્ય કરી શકશે. આ વિકાસકાર્યો માત્ર ઇમારતો કે રસ્તાઓનું નિર્માણ નથી, પરંતુ લોકોના જીવનમાં સુવિધા, સુરક્ષા અને નવી તકોનું નિર્માણ છે.
તલાવચોરા ગામ ખાતે કાવેરી નદીના પુલની બાજુમાં તથા તલાવચોરા-ભુડરવાડ રોડ સહિતના માર્ગોનાં કામો, મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ તલાવચોરા સોલંકીવાસથી હળપતિવાસ થઈ ચીખલી-તલાવચોરા એમ.ડી.આર. રોડને જોડતા માર્ગનું કામ તેમજ તલાવચોરા ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઘેજ ગામ ખાતે નાના ડુંભરીયા-મોટા ડુંભરીયા રોડ પર કોઝવેને બદલે બ્રિજના નિર્માણ, વાંઝરી ફળિયાથી ઝાડી ફળિયા થઈ ખેરગામ-વાવ રોડને જોડતા માર્ગ, વાંઝરી ફળિયાથી ચરી ખુશાલ પ્રાથમિક શાળા સુધીના માર્ગ તેમજ ઘેજ ગામતળ ખાતે આંગણવાડીના નવા મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘેજ ખુશાલ ફળિયા પ્રાથમિક શાળામાં નવા ઓરડાના બાંધકામ તથા ઝાડી ફળિયા કોલવાડ કોઝવે પાસેના વિકાસકાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સોલધરા ગામ ખાતે દુધીયા ફળિયા-પેલાડ નાયકીવાડને ચીખલી-ખેરગામ રોડ સાથે જોડતા બાકી લંબાઈના માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સોલધરા ગામના વડ ફળિયા ખાતે ચાઇલ્ડ ફ્રેન્ડલી કોન્સેપ્ટ આધારિત આંગણવાડી કેન્દ્રના નવા મકાનના બાંધકામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેન પટેલ, મયંકભાઈ પટેલ સરપંચ ,અધિકારી/પદાધિકારીઓ સહિત ગામના આગેવાનો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
