સરકારી બોરડીના બચુભાઈ પરમાર શાકભાજીના રોપાના વેચાણ થકી વર્ષે રૂ. ૨૦ લાખની આવક મેળવી બન્યા સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ

હિન્દ ન્યુઝ, દાહોદ 

   દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના સરકારી બોરડી (બોરડી ખુર્દ) ગામના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ પરમાર બાગાયત ક્ષેત્રે પોતાની મહેનત, અનુભવ અને સાહસના બળે સ્વરોજગારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી શાકભાજી તથા વિવિધ પ્રકારના છોડના ઉછેર અને વેચાણ સાથે સંકળાયેલા બચુભાઈ આજે રોપાઓના વેચાણ થકી વાર્ષિક અંદાજે રૂ. ૨૦ લાખની આવક મેળવી રહ્યા છે.

  બચુભાઈ પરમાર પોતાની નર્સરીમાં ટામેટાં, મરચાં, રીંગણ, કોબીજ, ફ્લાવર, બ્રોકલી, સ્ટ્રોબેરી, ગલકાં અને કારેલાં સહિત વિવિધ શાકભાજીના રોપાઓ તૈયાર કરે છે. આ ઉપરાંત, તેઓ ગલગોટાના ફૂલો તેમજ વિવિધ ફળફળાદીના છોડનું પણ વેચાણ કરે છે. ઘરેથી જ રોપાઓ અને છોડના વેચાણની વ્યવસ્થા ઊભી કરીને તેમણે પોતાની આજીવિકાને નવી દિશા આપી છે.


પરંપરાગત ખેતીમાંથી નર્સરી વ્યવસાય તરફ સફળ સફર

    બચુભાઈ પરમાર અગાઉ ખુલ્લા ખેતરમાં પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા. આ દરમિયાન રોપાઓના ઉછેરમાં મુશ્કેલીઓ, રોપાઓ સુકાઈ જવા અને ઉત્પાદન પાછળ થતો ખર્ચ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ બાગાયત વિભાગની સ્વરોજગાર નર્સરી યોજના અંતર્ગત મળેલી સહાય અને માર્ગદર્શનથી તેમણે નર્સરી વ્યવસાયને વધુ સુવ્યવસ્થિત બનાવ્યો.

નર્સરીની સુવિધા ઉપલબ્ધ થતાં રોપાઓના ઉછેર અને સંભાળમાં સરળતા થઈ, જેના પરિણામે રોપાઓનો વિકાસ વધુ સારો બન્યો. આ પરિવર્તનથી તેમના વ્યવસાયને વેગ મળ્યો અને આવક વધારવામાં પણ મદદ મળી.


સરકારી સહાયથી સ્વરોજગારીને પ્રોત્સાહન

    રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સ્વરોજગાર નર્સરી સ્થાપવા માટે બચુભાઈ પરમારને રૂ. ૨.૬૦ લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. આ સહાય તેમના નર્સરી વ્યવસાયને આગળ વધારવામાં ઉપયોગી બની છે. સરકારી સહાય અને પોતાના પરિશ્રમના સમન્વયથી તેમણે ખેતીને માત્ર પરંપરાગત પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત ન રાખતાં તેને આવકના સક્ષમ સાધન તરીકે વિકસાવી છે.

પોતાનો અનુભવ વ્યક્ત કરતાં બચુભાઈ પરમાર જણાવે છે કે, “બાગાયત વિભાગ દ્વારા મળેલી આર્થિક સહાય અને માર્ગદર્શનના કારણે હું મારો નર્સરી વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકું છું. આ સહાયથી મને સ્વરોજગારીમાં આગળ વધવાની અને મારી આજીવિકા સુધારવાની તક મળી છે. મને સહયોગ આપવા બદલ હું સરકારશ્રી અને બાગાયત વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું.”

 બચુભાઈ પરમારની સફળતા દર્શાવે છે કે, આધુનિક પદ્ધતિઓ, યોગ્ય માર્ગદર્શન, સરકારી યોજનાઓનો લાભ અને સતત મહેનતના સમન્વયથી બાગાયત ક્ષેત્રે સ્વરોજગારીની નવી તકો ઊભી કરી શકાય છે. તેમની આ સફર ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.

Related posts

Leave a Comment