શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં નવા ૧૦ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાશે

હિન્દ ન્યુઝ, દાહોદ

    ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને પોષણક્ષમ આહારની સુવિધા માટે અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત દાહોદ જિલ્લામાં નવા ૧૦ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૫ના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં આ યોજનાનો વ્યાપ વધારવાના હેતુથી તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૭:૦૦થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન નવા ભોજન વિતરણ કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવશે.


દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નવા ભોજન કેન્દ્રો

      નવા શરૂ થનારા ૧૦ ભોજન વિતરણ કેન્દ્રો દાહોદ, સંજેલી, સિંગવડ, લીંમખેડા, ધાનપુર, ગરબાડા અને ફતેપુરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત થશે. આ કેન્દ્રો દ્વારા બાંધકામ શ્રમિકોને તેમના કાર્યસ્થળની નજીક પોષણક્ષમ ભોજનની સુવિધા ઉપલબ્ધ બનશે.


નવા શરૂ થનારા ભોજન વિતરણ કેન્દ્રોનાં સ્થળોની વિગતો નીચે મુજબ છે:

૧. દાહોદ તાલુકો: ચાકલીયા રોડ, કડિયાનાકા, ગોવિંદરોડ, દાહોદ.

૨. દાહોદ તાલુકો: આંબેડકર ભવન, રળિયાતી રોડ, શ્રમિક વસાહત, દાહોદ.

૩. સંજેલી તાલુકો: મીલ વાળી ચાલ, હનુમાન બજાર, કડિયાનાકા, સંજેલી.

૪. સિંગવડ તાલુકો: સરજૂમી રોડ, સિંગવડ.

૫. લીમખેડા તાલુકો: ગુજરી બજાર, લીમખેડા.

૬. ધાનપુર તાલુકો: નવા બસ સ્ટેશન પાસે, મંડોર રોડ, ધાનપુર.

૭. ગરબાડા તાલુકો: બસ સ્ટેશન રોડ, ગરબાડા.

૮. ફતેપુરા તાલુકો: આશાપુરા ચોકડી, મેઇન બજાર, સુખસર, ફતેપુરા.

૯. ફતેપુરા તાલુકો: જૂના બસ સ્ટેશન પાસે, ફતેપુરા.

૧૦. દાહોદ તાલુકો: કુંદનપુર ચોકડી, કતવારા, દાહોદ.

  આ નવા ભોજન કેન્દ્રોના શુભારંભથી જિલ્લાના બાંધકામ શ્રમિકોને રાહતદરે ભોજન મેળવવામાં વધુ સુવિધા મળશે. શ્રમિકોના આરોગ્ય, પોષણ અને જીવનધોરણમાં સુધારો લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ શ્રમિક કલ્યાણની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Related posts

Leave a Comment