હિન્દ ન્યુઝ, દાહોદ
જિલ્લા કલેક્ટર કચેરી, દાહોદ ખાતે જિલ્લા કલેકટર સુ. સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ના આગોતરા આયોજન તેમજ યોજનાકીય કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં યોજના અંતર્ગત જિલ્લાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ/રકમ અને તેના સુચારુ ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને આજીવિકા વધારવા માટે આપવામાં આવતા દુધાળા પશુઓ, બકરાં વિતરણ તેમજ સિંચાઈની સુવિધા માટે મંજૂર કરવામાં આવેલા વ્યક્તિગત કૂવાઓની તાલુકાવાર લાભાર્થી સંખ્યા અને રકમની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન આ યોજના અંતર્ગત હાથ ધરાયેલા વિવિધ વિકાસકામો પૈકી કેટલા કામો પૂર્ણ થયા છે, કેટલા કામો પ્રગતિ હેઠળ છે અને કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે તેની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. કલેક્ટરએ સમયમર્યાદામાં તમામ મંજૂર કામો પૂર્ણ કરવા અને યોજનાનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ, પ્રાયોજન વહીવટદાર પ્રતીક જૈન, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, ડી.સી.એફ. મિતેષ પટેલ, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
