હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ સ્થિત દોલતગંજ કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ૧૦૮ કટોકટી સેવા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂરી પાડવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન આપત્તિના સમયે સ્વ-બચાવ, પ્રાથમિક સારવાર (First Aid) અને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક લેવાના થતાં પગલાં અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર શ્રી પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ દાહોદના નાયબ મામલતદાર શ્રી ચેતનભાઈ ભાભોર (પૂર શાખા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવ્યું હતું.
આ વિશેષ તાલીમ શિબિરમાં શાળાની ૩૯૭ વિધાર્થિનીઓ તથા ૧૧ શિક્ષક-સ્ટાફ મિત્રો ઉત્સાહભેર જોડાયા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું.
