બોરસદ તાલુકાના રણોલી અને કિંખલોડમાં ખાતે’ કુલ રૂ.90 લાખના ખર્ચે નિર્માણ થનાર 02 આયુષ્માન આરોગ્ય મંદિરનુ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ

      ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના આશયથી ૦૨ ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ના ખાતમુહૂર્ત ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરાયુ હતું.

આ પ્રસંગે રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે રણોલી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર-રણોલી તથા રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે કીંખલોડ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર- કીંખલોડ મળી કુલ રૂ.૯૦ લાખના ખર્ચે નિર્માણ થનાર આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નિર્માણથી સમાવિષ્ટ વિસ્તારના નાગરિકોને સ્થાનિક ધોરણે જ બહોળી આરોગ્ય વિષયક સેવાઓનો લાભ મળી રહેશે. સરકાર દ્વારા તૈયાર થનારા આ આયુષ્યમાન આરોગ્ય મંદિરો થકી આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે તેમજ આ કેન્દ્રો ખાતે નાગરિકોને આયુષ્યમાન કાર્ડ, મફત ડીલીવરી, માતૃ-બાળકલ્યાણ સેવાઓ, કુટુંબ કલ્યાણ સેવાઓ, ડે-કેર વગેરે જેવી વિવિધ સ્વાસ્થ્યલક્ષી સેવાઓનો લાભ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત નાગરિકોને આરોગ્ય વિષયક વિવિધ નાણાકીય અને યોજનાકીય લાભો પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંઘા, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, મુખ્ય જિલ્લા અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચઓ તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment