હિન્દ ન્યુઝ, ડાંગ
તા. ૦૯મી, સપ્ટેમબરના રોજથી સમગ્ર દેશની જેમ ડાંગ જિલ્લામાં પણ પોષણ માસનો શુભારંભ થશે. રાષ્ટ્રીય પોષણ માસના સુચારૂ આયોજન અંગે ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
તા. ૦૯મી, સપ્ટેમબરથી તા. ૦૮મી, ઓકટોબર સુધી યોજાનારા રાષ્ટ્રીય પોષણ માસના કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થાય એ માટે જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આગામી એક માસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન દરેક વિભાગે તેમને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવાની રહેશે.
આ ઉપરાંત તેમણે આ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ વિભાગોને કાર્યક્રમ અન્વયે કરવાની થતી રિપોર્ટિંગ અને ડેટા એન્ટ્રીની કામગીરી અંગે પણ વિગતે છણાવટ કરી સમયમર્યાદામાં ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.
“અમારી આંગણવાડી: અમારી જવાબદારી” મુખ્ય થીમ હેઠળ પોષણ માસના આ કાર્યક્રમ અંતર્ગત પાંચ અલગ અલગ પેટા થીમ હેઠળ કામગીરી કરવામાં આવશે. આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું રાંધેલું ભોજન, સામુદાયિક માલિકીપણું અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન તથા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ માતાના સ્વાસથ્ય માટે રોકડ ટ્રાન્સ્ફર થીમ હેઠળ એક માસ સુધી અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પંચાયત વિભાગના વિવિધ શાખાના વડાશ્રીઓ સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
