હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં દર મહિનાના પ્રથમ રવિવારે “સઘન સફાઈ ઝુંબેશ”, “કેચ ધ રેઈન” અને “વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી” ના ત્રિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં દર મહિનાના પ્રથમ રવિવારે ત્રિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ચાલુ માસના પ્રથમ રવિવારે એટલે કે, આવતીકાલ તા.૦૬/૦૯/૨૦૨૬ના રોજને બપોરે ૧૨:૦૦ કલાકે વેરાવળ તાલુકાના ડારી ગામ ખાતે “સઘન સફાઇ ઝુંબેશ” સહિતનો ત્રિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
આ સફાઇ કાર્યક્રમમાં સ્થાનિક પ્રાથમિક/માધ્યમિક શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs), NSS અને NCCના યુવાનો, તેમજ નાગરિકો જોડાશે.
ઉલ્લેખનીય છે કે, દર મહિનાના પ્રથમ રવિવારે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષેત્રીય કક્ષાએ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ લોકોની સક્રિય ભાગીદારીથી સઘન સફાઈ ઝુંબેશ, ‘કેચ ધ રેઈન’ (વરસાદી જળ સંગ્રહ) અને તેને લગતા કાર્યક્રમો તથા વૃક્ષારોપણ યોજના અને સુકાયેલ રોપાઓની ફેરબદલી એમ ત્રણ મુખ્ય કાર્યક્રમો ઘનિષ્ઠ રીતે હાથ ધરવામાં આવશે.
