હિન્દ ન્યુઝ, આણંદ
પેટલાદ તાલુકાના શાહપુર અને પાળજ ગામ ખાતે ગત દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો તથા દૂધ મંડળીના અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
મંત્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે લાભાર્થીઓને રૂબરૂ ચેક સુપ્રત કરવામાં આવ્યા હતા, જેમાં ધર્મિષ્ઠાબેન સોમાભાઈ વાઘરીને રૂ. ૨,૧૨,૫૦૦/-, શાહપુરના જશભાઈ રણછોડભાઈ ઠાકોરને રૂ. ૯૦,૦૦૦/-, શાહપુરના જ રજનીભાઈ ગોરધનભાઈ પટેલને રૂ. ૯૦,૦૦૦/- તથા પાળજ ગામના મણીબેન મંગળભાઈ તળપદાને રૂ. ૧,૮૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી હતી.
આ ઉપરાંત પેટલાદ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા અન્ય પરિવારોને મકાન નુકસાની તથા ઘરવખરી સહાય પેટે કુલ રૂ. ૭,૨૬,૦૦૦/- ની રકમના ચેકોનું પ્રતિકાત્મક વિતરણ કરી સરકારે ત્વરિત સહાયનો કોલ પૂરો કર્યો હતો.
સહાયનો ચેક સ્વીકારતી વખતે પાળજ ગામના વૃદ્ધ મણીબેન તળપદાએ અત્યંત આત્મીયતા અને લાગણીસભર હૃદયથી સરકારનો આભાર માનીને મંત્રીશ્રીને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગને યાદ કરતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ભાવુક થઈ જણાવ્યું હતું કે, “વૃદ્ધ મણીબેન દ્વારા મળેલા આશીર્વાદ એ માત્ર મારા માટે જ નહીં, પરંતુ સમગ્ર સરકાર માટે અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ હતી, જે નાગરિકોની સેવા કરવાના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.”
આ કાર્યક્રમ દરમિયાન મંત્રી કમલેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિ કે મુશ્કેલીના સંજોગોમાં પ્રજાની રક્ષા અને પુનઃવસન માટે સરકાર હંમેશાં પ્રથમ હરોળમાં ઊભી છે. રાજ્ય સરકારની સંવેદનશીલ નીતિઓ અને ઝડપી પ્રશાસનિક કામગીરીના કારણે જ છેવાડાના માનવી સુધી સમયસર આર્થિક સહાય પહોંચી શકી છે.
મંત્રી એ વધુમાં કહ્યું કે કોઈપણ આપત્તિના સમયે નાગરિકોની પડખે અડીખમ ઊભી રહેતી રાજ્ય સરકારે આ વિસ્તારના અસરગ્રસ્તોને ત્વરિત રાહત પહોંચાડીને લોકાભિમુખ શાસનની ઉત્કૃષ્ટ મિસાલ પૂરી પાડી છે.
આ સમયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
