હિન્દ ન્યુઝ, ડાંગ
વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને, આજરોજ જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વરસાદી આપત્તિ સામે તમામ વિભાગોના અધિકારીઓને સંપૂર્ણ સતર્કતા સાથે ‘સ્ટેન્ડબાય’ રહેવા અને રાહત તથા બચાવ કામગીરીમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સૂચનાઓ આપી હતી.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ ૧૦૦ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં આહવા અને વઘઇ તાલુકામાં સો ટકા જ્યારે સુબીર તાલુકામાં અત્યાર સુધીમાં ૯૩ ટકા વરસાદ નોંધાયો છે. તેમજ જિલ્લામાં ભારે વરસાદના કારણે મૃત્યુ પામેલા ૩૫ પશુઓના માલિકોને નિયમ મુજબ રૂ.૧૨૦૦૫૦૦ ની સહાય ચૂકવી દેવામાં આવેલ છે. સંપુર્ણ કાચા મકાનના નુકસાનમાં કુલ ૬ લોકોને વ્યક્તિઓને રૂ.૧૦૧૦૦૦૦ સહાય ચુકવવામાં આવેલ છે. જ્યારે પાકા મકાનમાં એક વ્યક્તિને રૂપિયા બે લાખની સહાય ચુકવણી કરવામાં આવેલ છે. તેમજ અશત: કાચા મકાનમાં એક વ્યક્તિને ચાર હજારની સહાય ચુકવવામાં આવેલ છે. અને અશત: પાકા મકાનમાં જિલ્લાના કુલ ૧૧ વ્યક્તિઓને રૂ.૭૧,૫૦૦ ની સહાય ચુકવણી કરવામાં આવેલ છે. ઘર સાથે સંકળાયેલ કેટલ શેડ નુકસાન સહાયમાં ચાર વ્યક્તિઓને રૂ.૧૨૦૦૦ ની સહાય ચુકવણી કરવામાં આવેલ છે. તેમજ ઝુપડા નુકશાનીમાં કુલ ત્રણ વ્યક્તિઓને રૂ.૧૬૦૦૦ સહાય ચુકવવામાં આવેલ છે. જ્યારે માનવ ઇજામાં દોડીપાડા ગામના એક વ્યક્તિને રૂ.૧૬૦૦૦ સહાય ચુકવવામાં આવેલ છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ આહવા દ્વારા ભારે વરસાદમાં નાગરિકોની સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા જાળવી રાખવા માટે ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક રાહત અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં તાંત્રિક સ્ટાફના માર્ગદર્શન હેઠળ ૧૦ ટીમો, ૧૨ જે.સી.બી., ૫ ટ્રેક્ટર અને ૧૫૦થી વધુ શ્રમિકો દ્વારા રસ્તા પરથી ૫૦ જેટલા ધરાશાયી વૃક્ષો અને વીજપોલ હટાવવા, માઇનોર લેન્ડસ્લાઇડિંગની માટી-પથ્થર તથા કાદવ સાફ કરવા, સાઇડ ગટરો ખુલ્લી કરવા, રેઇન કટ ફિલિંગ તેમજ ૧૦૦ બેગ ઇકોફિક્સ/કોલ્ડમિક્સ અને કોન્ક્રીટ વડે રસ્તાના ખાડાઓનું પેચવર્ક કરી વાહનવ્યવહારને સુચારુ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
તેમજ ડાંગ જિલ્લામાં તા. ૩૧/૦૭/૨૦૨૬ના રોજ પડેલા ૨૩૫ મીમી ભારે વરસાદને કારણે બંધ થયેલા ૬૦ રસ્તાઓને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, આહવા-ડાંગ દ્વારા ૨૪ કલાકમાં ત્વરિત કામગીરી કરીને મહત્તમ રસ્તાઓ વાહનવ્યવહાર માટે ફરી કાર્યરત કરવામાં આવ્યા હતા. જેના માટે વિભાગની ૧૩ સુસજ્જ ટીમો, ૧૭૫થી વધુ મેનપાવર, ૨૬ જે.સી.બી., ૨૩ ટ્રેક્ટર/ડમ્પર તેમજ ૨૮થી વધુ અન્ય મશીનરી સાથે ખડેપગે રહી રસ્તા પરથી કાદવ-ડેબરીશ અને ધરાશાયી વૃક્ષો દૂર કરવા ઉપરાંત નુકસાન પામેલા સ્ટ્રક્ચરોની મરામત અને પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ વન વિભાગ અને ડી.જી.વી.સી.એલ વિદ્યુત વિભાગ દ્વારા પણ વરસાદની પરિસ્થિતિને ધ્યામાં રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે કુલ ૫૩ વિજપોલ રીસ્ટોર કરી વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અને સાવચેતીના પગલાં અંગેની માહિતી જિલ્લા કલેક્ટરશ્રીના અધિકૃત X (Twitter) હેન્ડલ તેમજ વિવિધ સોશિયલ મીડિયા/વોટ્સએપ ગ્રુપો દ્વારા સરપંચશ્રીઓ, તલાટીઓ, વિવિધ NGO, FPS/MDM અને શાળાઓ મારફતે છેવાડાના ગ્રામજનો સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવી રહી છે.
પ્રભારી મંત્રીશ્રીએ આપત્તિજનક પરિસ્થિતિમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સમગ્ર ટીમ કોઈપણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
આ સમીક્ષા બેઠકનું સંચાલન જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ, સહિત જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
