આહવા ખાતે પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને એટીવીટીના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, આહવા 

   ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા તથા વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એટીવીટી અંતર્ગત હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા માટે આજરોજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ તેમના વિભાગ હેઠળ ચાલી રહેલા વિકાસકાર્યો, મંજૂર થયેલ યોજનાઓ તથા ખર્ચની પ્રગતિ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.

બેઠક દરમિયાન પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતે માર્ગ અને મકાન, પાણી પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, કૃષિ, આદિજાતિ વિકાસ સહિતના વિવિધ વિભાગોના કામોની સમીક્ષા હાથ ધરી હતી. જે કામોમાં વિલંબ જોવા મળ્યો હતો તેવા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા નક્કી કરાયેલ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ વેળા જિલ્લા આયોજન મંડળ હેઠળ મંજૂર થયેલા વિકાસકાર્યોમાં નાણાંકીય અને ભૌતિક પ્રગતિની વિગતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને પહોંચે તે માટે અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ગુણવત્તાયુક્ત કામગીરી, સમયસર ટેન્ડર પ્રક્રિયા, કામોની નિયમિત મોનિટરિંગ અને પારદર્શિતા જળવાય તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં વિકાસકાર્યોમાં આવતી મુશ્કેલીઓ અને પડકારોના નિવારણ માટે વિભાગો વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દરમિયાન અમલીકરણ અધિકારીઓને લોકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને વિકાસલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવા તથા સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીત તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલ, સહિત આહવા, વઘઇ અને સુબીર તાલુકા પંચાયતના પ્રમુખઓ, પદાધિકારીઓ તેમજ ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

Leave a Comment