જળ ભવન, આહવા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભાવસભર ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ 

     સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, “જળ ભવન” આહવા (ડાંગ) ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચેરી પરિસરને તિરંગાના રંગોથી શણગારવા સાથે રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મિલપાડા પ્રાથમિક શાળાના બાળકો તથા માજીરપાડાન બાળકો, વાલીઓ, અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તે હેતુથી તેમને તિરંગા સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોને અલ્પાહારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તિરંગાના રંગોમાં સજ્જ બાળકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને આકર્ષક અને ભાવસભર બનાવી દીધો હતો.

કાર્યક્રમ દરમિયાન કર્મયોગી કમલેશભાઈ પાટીલની આગેવાની હેઠળ સૌએ દેશની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવા સાથે રાષ્ટ્રના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ રીતે જળ ભવન, આહવા ખાતે યોજાયેલી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સામૂહિક સહભાગિતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

 

Related posts

Leave a Comment