હિન્દ ન્યુઝ, ડાંગ
ચોમાસાની ચાલુ સિઝનમાં ડાંગ જિલ્લો સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ચારેય તરફ પથરાયેલી પ્રાકૃતિક હરિયાળી, ખળખળ વહેતા ઝરણાં અને ભવ્ય ધોધને કારણે સમગ્ર ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે.
ખાસ કરીને સિંગાણા નજીક આવેલો વિશ્વવિખ્યાત ગિરમાળ ધોધ અને યુ-ટર્ન (U-Shape) વિસ્તાર વરસાદ બાદ અત્યંત રમણીય અને મનોહર બની ગયા છે, જેને નિહાળવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવી રહેલા પ્રવાસીઓની સલામતી અને સુવિધા અંગે ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર તથા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કલેક્ટરએ સ્થળ પર જઈ પરિસ્થિતિ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડાંગ કલેક્ટર એન.ડી.પરમારે તમામ પ્રવાસીઓને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે ધોધ, નદીઓ કે જોખમી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં કે બિનજરૂરી સાહસ કરીને પોતાનો જીવ જોખમમાં ન મૂકવો. સાથે પ્રાકૃતિક અને પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક, કચરો કે ગંદકી ન ફેલાવવી. ડાંગની પ્રકૃતિની પવિત્રતા અને સુંદરતા જાળવી રાખવા માટે સ્વચ્છતા રાખવી એ આપણા સૌની જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, કલેકટર સહિતના ઉચ્ચાધિકારીઓની આ મુલાકાત દરમિયાન સ્થાનિક સરપંચશ્રી સહિત તેમની ટીમ, ગ્રામજનો અને પ્રવાસીઓએ આ પર્યટન સ્થળે સ્વછતા સેવા પણ હાથ ધરી હતી.
ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા જાળવવા માટે વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા પણ જરૂરી સૂચનાઓ અને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં પણ સૌને સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
