હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
દેશના વિભાજન સમયે લાખો નાગરિકોએ વેઠેલી અસહ્ય પીડા, માનસિક આઘાત અને અકાળે થયેલા વિસ્થાપનની કરુણ સ્મૃતિઓને યાદ કરી વિસ્થાપિતોના અપ્રતિમ ત્યાગ, અડગ મનોબળ અને સંઘર્ષને શ્રદ્ધાંજલિ આપવા માટે છોટાઉદેપુરમાં આંબેડકર ભવન ખાતે વિશેષ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ-૨૦૨૬’ની સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન યુવા પેઢી વિભાજનની કરુણ વાસ્તવિકતાઓથી માહિતગાર થાય અને તેમનામાં દેશભક્તિ તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદૃઢ બને તેવા શુભ આશયથી વિશેષ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વિભાજનની યાતનાઓમાંથી પસાર થયેલા લોકોના બલિદાન અને શૌર્યને નમન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર ઉપસ્થિત વક્તા ભરતસિંહ પરમાર દ્વારા વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું.
લોકસભાના સાંસદ ડૉ મુકેશભાઈ રાઠવા અને રાજયસભાના સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
લોકસભા સાંસદ ડૉ.મુકેશભાઈ રાઠવાએ યુવાનોને “જ્યોતિ જલા નિજ પ્રાણ કી”વિભાજન કી વિભીષિક પર લખાયેલ પુસ્તક વાંચવા અનુરોધ કર્યો હતો.
મહાનુભાવો અને નગરજનોએ વિભાજન વિભીષિકા પર આધારીત શોર્ટ ફિલ્મ અને શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત નાટક નિહાળ્યુ હતું. આ પ્રસગે ઉપસ્થિત સહુએ બે મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ કાર્યક્રમ પૂર્ણ થતા આંબેડકર ભવન થી પેટ્રોલ પંપ ચોકડી સુધી ભાવાત્મક ‘કેન્ડલ માર્ચ’ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈને વિભાજનના વિસ્થાપિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી ભાવભીની અંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, મદદનીશ કલેકટર મુસ્કાન ડાંગર, સહીત જિલ્લાના પદાધિકારીઓ – અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
