હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને સુખસર ખાતે યોજાયેલ 80 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના પાવન અવસરે દાહોદ જિલ્લામાં શિક્ષણ, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી તથા શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે સમગ્ર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર એલ. દામા તથા શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ આર. ભોંકણનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને અધિકારીઓએ દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર કામગીરી અને શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ દાહોદ જિલ્લાનું નામ રોશન કરનાર રોશનીબેન લલ્લુભાઈ મિનામા, કાજલબેન સમરુભાઈ ભાભોર અને મનીષાબેન વિનુભાઈ કટારાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આગાવાડા, તા. ઝાલોદની આ ખેલાડીઓએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI)ના નેજા હેઠળ આયોજિત 69 મા રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવ-2025-26માં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવશે. તેમાં ધ્રુતિ હેમંતકુમાર પ્રજાપતિએ SSC ફેબ્રુઆરી/માર્ચ પરીક્ષા-2026 માં દાહોદ જિલ્લામાં 98.33 ટકા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પીઠાયા નિખિલ વિજયભાઈએ HSC ફેબ્રુઆરી/માર્ચ પરીક્ષા-2026 (સામાન્ય પ્રવાહ)માં 94.85 ટકા સાથે પ્રથમ સ્થાન, જ્યારે મયંક માલાભાઈ મિનામાએ HSC ફેબ્રુઆરી/માર્ચ પરીક્ષા-2025 (વિજ્ઞાન પ્રવાહ)માં 88.92 ટકા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
તે જ રીતે આયુષી સચિનકુમાર કડિયાએ SSC ફેબ્રુઆરી/માર્ચ પરીક્ષા-2026 માં 97.33 ટકા સાથે દ્વિતીય સ્થાન, રેણુકાબેન પ્રતાપભાઈ બારીયાએ HSC ફેબ્રુઆરી/માર્ચ પરીક્ષા-2025 (સામાન્ય પ્રવાહ)માં 93.00 ટકા સાથે દ્વિતીય સ્થાન, જ્યારે ત્વીશા મહેશકુમાર પટેલએ HSC ફેબ્રુઆરી/માર્ચ પરીક્ષા-2025 (વિજ્ઞાન પ્રવાહ)માં 87.43 ટકા સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ પ્રતિભાઓની સિદ્ધિ દાહોદ જિલ્લાના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આ તમામ પ્રતિભાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સન્માનિત કરી તેમની મહેનત, પ્રતિભા અને સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.
આ પ્રકારનું સન્માન વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓમાં ઉત્સાહ વધારી ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે પ્રેરણા પૂરી પાડશે તેમજ દાહોદ જિલ્લાને શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરવા પ્રોત્સાહન આપશે.
