હિન્દ ન્યુઝ, અમરેલી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી થઈ, ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદના કરાવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આજના રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવીને ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા વર્ણવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે વિરાસતથી વિકાસનો મંત્ર સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. વડાપ્રધાનએ લાલ કિલ્લા પરથી 2047ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપી છે, ત્યારે ગુજરાત વડાપ્રધાનના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગરીબો, યુવાનો, અન્નદાતા કિસાનો અને નારીશક્તિને વિકસિત ગુજરાતના ચાર મુખ્ય સ્તંભ ગણાવી જનકલ્યાણના ભાવ સાથે રાજ્યના સંતુલિત વિકાસનો રોડમેપ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ 2035માં રાજ્યની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી અને ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047’ના લક્ષ્ય સાથે રાષ્ટ્રપ્રથમના ભાવથી રાજ્યની ગૌરવમય વિકાસગાથા આગળ ધપાવવા સૌ નાગરિકોને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશપ્રેમથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ગૌરવને ઉજાગર કરતી ‘મારું અમરેલી’ થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિ અને ગુજરાતના પ્રથમ આદિજાતિ બાલિકાઓના બેગપાઈપર બેન્ડની પ્રસ્તુતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સ્વતંત્ર્ય પર્વની ઉજવણીના આ ભવ્ય સમારોહમાં પોલીસ જવાનો દ્વારા યોગ નિદર્શન, નારી શક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા રાયફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો અને અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોલીસ જવાનોની શિસ્ત, સાહસ, કૌશલ્ય અને તાલીમનું પ્રત્યક્ષ નિદર્શન કરાવતા આ નિદર્શનોને ઉપસ્થિત જનમેદનીએ વધાવી લીધા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમના અંતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં ઉત્સાહપૂર્વક સહભાગી બનેલ રાષ્ટ્રપ્રેમી જનસમુદાયનું ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
