જનજાતિય ગૌરવ સપ્તાહ ૨૦૨૬
હિન્દ ન્યુઝ, દાહોદ
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ફતેપુરા તાલુકાની આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (રાજ્યકક્ષા) તથા દાહોદ જિલ્લાના સહ-પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને યુવા સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ યુવા સભામાં મંત્રી પી. સી. બરંડાએ કહ્યું કે, આદિવાસી સમાજનો ઇતિહાસ શૌર્ય, સાહસ, સંઘર્ષ, ત્યાગ અને બલિદાનની ગૌરવગાથાથી ભરેલો છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજના અનેક મહાનાયકોનું યોગદાન અવિસ્મરણીય છે. ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, અસ્મિતા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ઓળખ માટે કરેલો સંઘર્ષ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યુવા પેઢીએ તેમના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લેવી જોઈએ.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડા ભારતના આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે અંગ્રેજોના શોષણ, અન્યાય અને આદિવાસીઓની જમીનો છીનવી લેતી નીતિઓ સામે જોરદાર લડત આપી હતી. તેમણે આદિવાસી સમાજને સંગઠિત કરી જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું. તેમના નેતૃત્વમાં ‘ઉલ્ગુલાન’ (મહાવિદ્રોહ) શરૂ થયો હતો. તેમનો સંઘર્ષ માત્ર અંગ્રેજો સામે જ નહીં, પરંતુ સામાજિક અન્યાય અને શોષણ સામે પણ હતો. માત્ર 25 વર્ષની વયે તેમનું અવસાન થયું, પરંતુ તેમનું બલિદાન અને ક્રાંતિકારી વિચારો આજે પણ આદિવાસી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદારશ્રી પ્રતીક જૈન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સંગઠન પ્રદેશ મંત્રી શંકરભાઈ આમલીયાર, જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર જી એમ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય, સરપંચ, આગેવાનો વડીલો, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ફતેપુરા વિધાનસભાના મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
