ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અભલોડ ખાતે ગરબાડા વિધાનસભા યુવા સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

   આદિવાસી સમાજના ગૌરવ, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૧૨થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ખાતે ગરબાડા વિધાનસભા યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી પાંડુરંગ વણિકર ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય, અભલોડ ખાતે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગરબાડાના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત દાહોદના ઉપપ્રમુખશ્રી વિજયસિંહ બી. અમલીયાર, ગરબાડા તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી નિલાબેન એસ. દેહદા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના સંઘર્ષ, સાહસ, બલિદાન અને દેશની આઝાદીની લડતમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને અસ્તિત્વની રક્ષા માટે સંઘર્ષ કરીને સમગ્ર દેશને પ્રેરણાનો માર્ગ બતાવ્યો છે. તેમનું જીવન યુવા પેઢી માટે હિંમત, એકતા, સંઘર્ષ અને સમાજસેવાની પ્રેરણા આપનારું છે.

ગરબાડા વિધાનસભા યુવા સભાના માધ્યમ થકિ યુવા પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસા, પરંપરા અને જનજાતિય ગૌરવનું જતન કરવા સાથે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક પ્રગતિના ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનજાતિય કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી મેળવી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને ક્રાંતિકારી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો તેમજ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને વિકાસની ભાવના વધુ મજબૂત કરવાનો રહ્યો હતો.

Related posts

Leave a Comment