હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં સમયસર અને અસરકારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તહેવારો દરમિયાન અકસ્માતો સહિત વિવિધ પ્રકારની ઇમરજન્સી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સામાન્ય દિવસોમાં દાહોદ જિલ્લામાં સરેરાશ ૧૮૬ ઈમરજન્સી કેસ નોંધાતા હતા. તેની સામે દિવાળીના દિવસે ૨૬૩ કેસ, નૂતન વર્ષના દિવસે ૨૭૦ કેસ અને ભાઈબીજના દિવસે ૨૭૯ કેસ નોંધાયા હતા. આમ, સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે ૪૧.૪૦ ટકા, નૂતન વર્ષના દિવસે ૪૫.૧૬ ટકા અને ભાઈબીજના દિવસે ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો હતો.
રોડ અકસ્માતની ઇમરજન્સીમાં પણ નોંધપાત્ર વધારો
દાહોદ જિલ્લામાં રોડ અકસ્માત સંબંધિત ઇમરજન્સીના સામાન્ય દિવસોના સરેરાશ ૧૨ કેસની સામે દિવાળીના દિવસે ૬૧ કેસ, નૂતન વર્ષના દિવસે ૪૩ કેસ અને ભાઈબીજના દિવસે ૫૩ કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે ૩૯૦.૮૦ ટકા, નૂતન વર્ષના દિવસે ૨૪૫.૯૮ ટકા અને ભાઈબીજના દિવસે ૩૨૬.૪૪ ટકાનો વધારો નોંધાયો હતો.
શારીરિક હુમલાના કેસોમાં પણ વધારો
શારીરિક હુમલાની ઇમરજન્સીના સામાન્ય દિવસોના સરેરાશ ૬ કેસની સામે દિવાળીના દિવસે ૩૨ કેસ, નૂતન વર્ષના દિવસે ૨૬ કેસ અને ભાઈબીજના દિવસે ૧૮ કેસ નોંધાયા હતા. આ મુજબ દિવાળીના દિવસે ૪૮૯.૪૭ ટકા, નૂતન વર્ષના દિવસે ૩૭૮.૯૫ ટકા અને ભાઈબીજના દિવસે ૨૩૧.૫૮ ટકાનો વધારો નોંધાયો હતો.
દાઝી જવાના બનાવો
દાહોદ જિલ્લામાં દિવાળીના દિવસે દાઝી જવાના કોઈ કેસ નોંધાયા નહોતા, જ્યારે નૂતન વર્ષના દિવસે ૨ કેસ નોંધાયા હતા. ભાઈબીજના દિવસે પણ દાઝી જવાના કોઈ કેસ નોંધાયા નહોતા.
તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં થયેલા વધારા છતાં ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસના કર્મચારીઓએ આગોતરા આયોજન, અસરકારક સંકલન અને તત્પરતાના આધારે લોકોને સમયસર આરોગ્યસેવા પૂરી પાડી હતી. આ કામગીરીથી તહેવારો દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોને જરૂરી તબીબી સહાય ઉપલબ્ધ બની હતી.
