ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે દાહોદના આદિજાતિ ભવન ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યુવા સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

     ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદમાં આદિજાતિ ભવન ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમાજના યુવાનોમાં ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના આદર્શો પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.

રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ ભગવાન બિરસા મુંડાના જીવન અને તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને સંઘર્ષના પ્રતિક છે. તેમણે અંગ્રેજ શાસન સામે લડત આપી આદિવાસી સમાજના અધિકારો, પરંપરાઓ અને સાંસ્કૃતિક ઓળખના જતન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનું જીવન આજની યુવા પેઢી માટે પ્રેરણાનું અમૂલ્ય સ્ત્રોત છે.

યુવા સભામાં આદિજાતિ સમાજના યુવાનોને શિક્ષણ, સામાજિક જાગૃતિ, સાંસ્કૃતિક વારસાના જતન, રાષ્ટ્રનિર્માણ અને સમાજના સર્વાંગી વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. યુવાનો પોતાની પ્રતિભા અને શક્તિનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે કરે તેમજ ભગવાન બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યુવા સભા દ્વારા આદિજાતિ સમાજની ગૌરવશાળી પરંપરા, સંસ્કૃતિ અને યુવા શક્તિના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાના જીવનમૂલ્યોને આત્મસાત કરી યુવાનો સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે માટે પ્રેરણાદાયી આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ પણ પ્રાસંગિક ઉદબોધન થકી સૌ યુવાઓને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિત અન્ય પદાધિકારીઓ – અધિકારીઓ તેમજ યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment