તા.૧૫ નવેમ્બરના રોજ જામજોધપુર તાલુકામાં જિલ્લા કક્ષાના અને જામનગરના ટાઉનહોલ ખાતે શહેર કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર

આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના અનન્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દર વર્ષે તા. ૧૫મી નવેમ્બરને સમગ્ર દેશમાં “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં આદિજાતિ સમુદાયને સમાન સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા.૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન “જનજાતીય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ અંતર્ગત તમામ આદિજાતિ વિસ્તારોમાં વિવિધ જનકલ્યાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં થનાર આયોજન અંગે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરએ જણાવ્યું હતું કે, તા.૧૫ નવેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જામનગર જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી જામજોધપુર પટેલ સમાજ ખાતે અને શહેર કક્ષાનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજવામાં આવશે. આ દિવસે લાલપુર ચોકડીની બાજુમાં કુબેરનગર-૩ સોસાયટી વિસ્તારમાં રૂ.૬.૩૩ કરોડના ખર્ચે સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા ૫ વર્ષ દરમિયાન અનુસૂચિત આદિજાતિના ૫૮૧૩૧ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.૩૫૭૯.૬૬ લાખના વિવિધ લાભો એનાયત કરવામાં આવ્યા છે. તા.૧૫ નવેમ્બરના રોજ યોજાનાર જિલ્લા કક્ષાના અને શહેર કક્ષાના કાર્યક્રમોમાં પણ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો એનાયત કરવામાં આવશે.

કલેકટરએ જણાવ્યું હતું કે, આ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાન અને જનજાતીય મહાન નાયકોના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે સમાજના અધિકારોનું રક્ષણ, સામાજિક જાગૃતિ અને સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે. આ ઉજવણીમાં આદિવાસી સમાજના નાગરિકો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનોને ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment