હિન્દ ન્યુઝ, દાહોદ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગાંધીનગરના હુકમ અન્વયે જાહેર આરોગ્યના હિતમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તેના અંતર્ગત ઘડવામાં આવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. દાહોદ સર્કલ વિસ્તારમાં ડેરી એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને પ્રતિબંધિત કરવા માટે કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ તપાસ ઝુંબેશ દરમિયાન દાહોદ મોર્ગયા ડેરી દોલતગંજ બજાર દાહોદ,મિતલ ડેરી મંડાવરોડ,તમન્ના ડેરી સ્ટેશન રોડ,અમરગંગા ડેરી ગોવિંદ નગર, જય સોનલમાં ડેરી ગોદીરોડ,કનૈયા ડેરી પડાવરોડ,શર્મા ડેરી ગોધરા રોડ,શિવલક્કી ડેરી ગોધરા રોડ સહિતના વિસ્તારોની અનેક ડેરીઓમાં તપાસ કરવામાં આવી હતી જેમાં એનાલોગ પનીરનો જથ્થો ન મળી આવ્યો હતો.
અધિકારીઓ દ્વારા બે સ્થળો એથી તપાસના ભાગરૂપે પનીરના બે નમૂના પૃથ્થકરણ કરવા માટે લીધા હતા
ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દાહોદ દ્વારા અખબારી યાદી મારફતે જણાવવામાં આવ્યું છે કે હજુ પણ અન્ય એકમોની તપાસની કામગીરી ચાલુ છે અને જ્યાં પણ શંકાસ્પદ પનીર, બટર કે ચીઝનો જથ્થો મળી આવશે તેનો તાત્કાલિક નાશ કરી સંબંધિત એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
