હિન્દ ન્યુઝ, દાહોદ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથો (SHGs) દ્વારા ઉત્પાદિત વિવિધ સ્થાનિક ઉત્પાદનોને યોગ્ય બજાર અને વેચાણની સુવિધા મળી રહે તેમજ ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ ખાતે ‘ગ્રામ-હાટ’ સ્થાપવાની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વવારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના માર્ગદર્શન અને દિશા સૂચન હેઠળ ST વિભાગ અને DRDA દાહોદ વચ્ચે ગ્રામ હાટ માટે સ્પેસ અલોકેશન નું MoU કરવામાં આવેલ છે. કુલ ૪ બસ સ્ટેશનો જેમ લીમખેડા, દાહોદ, ઝાલોદ અને લીમડી માટે વિભાગીય નિયામક ગોધરા સાથે વિધિવત રીતે MOU ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારના ગ્રામ-હાટ હરાજીના નિર્ધારિત માપદંડોને અનુરૂપ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર ગ્રામ-હાટ સ્થાપવા માટેના સ્થળોની સંકલન પ્રક્રિયા રાજ્ય કક્ષાએથી હાથ ધરવામાં આવી રહી છે. GSRTC દ્વારા પ્રાપ્ત રાજ્યના કુલ ૧૩૫ બસ સ્ટેશન સ્ટોલ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા એરપોર્ટ ખાતેના ગ્રામ-હાટ માટેનું ભાડું સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે અને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી GLPC કચેરી દ્વારા તેની ચુકવણી કરવામાં આવશે. ગ્રામ-હાટના બાંધકામ, એકરૂપતા તથા પ્રચાર-પ્રસારની કામગીરી GLPC રાજ્ય કચેરીની નોન-ફાર્મ શાખા દ્વારા કરવામાં આવશે.
ગ્રામ-હાટના મુખ્ય હેતુઓ
– NRLM અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને યોગ્ય અને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવું.
– ગ્રામ્ય મહિલાઓનું આર્થિક સશક્તિકરણ, સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું.
– GSRTC બસ સ્ટેશન પર મુસાફરોને સ્થાનિક, ગુણવત્તાયુક્ત અને હસ્તકલા/ખાદ્ય ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવા.
– GLPCની નોન-ફાર્મ આવકમાં વધારો કરવો.
ગ્રામ-હાટમાં વેચાણ માટેના મુખ્ય ઉત્પાદનો
હસ્તકલા ઉત્પાદનો: કાઠિયાવાડી હસ્તકલા, કચ્છી કઢાઈ, વાંસ-માટી આધારિત ઉત્પાદનો, સ્મૃતિચિહ્નો વગેરે.
હેન્ડલૂમ ઉત્પાદનો: સાડીઓ, દુપટ્ટા, ચણિયા-ચોળી, ઘરગથ્થુ કાપડ વગેરે.
ખાદ્ય પદાર્થો: ગૃહઉદ્યોગના બિસ્કિટ, નાસ્તા, અથાણાં, પાપડ, મસાલા, મિલેટ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ વગેરે.
કૃષિ તથા અન્ય ઉત્પાદનો: ઓર્ગેનિક મધ, કૃષિ બનાવટો તથા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત અન્ય વિવિધ વસ્તુઓ.
ગ્રામ-હાટમાં ભાગ લેવા માટે સંબંધિત વેચાણકારનું GLPC સાથે રજિસ્ટ્રેશન, ઓછામાં ઓછું એક વર્ષનું સક્રિય અસ્તિત્વ, તેમજ બેંક એકાઉન્ટ, PAN અને GST જેવી જરૂરી વિગતો ઉપલબ્ધ હોવી ફરજિયાત રહેશે.
આ પહેલથી સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોની બહેનોને પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવાની તક મળશે અને ‘સ્થાનિકથી વૈશ્વિક’ તરફ આગળ વધતા ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂતી મળશે.
