તા. ૮ ઓગસ્ટે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સંદર્ભે તંત્ર સજ્જ

હિન્દ ન્યુઝ, ડાંગ 

   ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૮ ઓગસ્ટના રોજ ‘મોન્સૂન ફેસ્ટિવલ – ૨૦૨૬’ના ઉદ્ઘાટન પ્રસંગે સાપુતારાની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર સહિત વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓએ સ્થળ-મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા હાથ ધરી હતી.

વર્ષ ૨૦૦૯થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના પરિણામે સ્થાનિક આદિવાસી સમાજની સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકસંગીત અને હસ્તકલાને એક નવી ઓળખ મળી છે. આ ઉપરાંત, સ્થાનિક મહિલાઓ, હોટેલ ઉદ્યોગ, પરિવહન ક્ષેત્ર, વેપારીઓ, કલાકારો અને નાના વ્યવસાયીઓ માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે. જેના કારણે સાપુતારા ખાતે દર વર્ષે આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

આ વર્ષે પણ ગુજરાત ટૂરિઝમ દ્વારા ‘મોન્સૂન ફેસ્ટિવલ – ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના હોવાથી, સુરક્ષા સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવાના હેતુથી કલેક્ટર તથા અન્ય સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હેલીપેડ, મુખ્ય કાર્યક્રમ સ્થળ, પી.એચ.સી. પાર્કિંગ ગ્રાઉન્ડ અને સાપુતારા તોરણ હોટેલ જેવા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સંબંધિતોને જરૂરી દિશાનિર્દેશો કર્યા હતા.

આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા સુ પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર ડો.મયુર પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી લક્ષ્મણ ચૌધરી, પ્રાંત અધિકારી યુ.વી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરેન પટેલ, કાર્યપાલક ઈજનેર કેતન કુંકણા તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment