તા.૧૫મી ઓગષ્ટ સુરત જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

    આગામી ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુરતના આંગણે થનાર છે જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે ૧૫ મી ઑગસ્ટ એટલે કે ૮૦મા સ્વતંત્રતા દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુરત મનપાના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાશે. રાષ્ટ્રીય પર્વની ગૌરવપુર્ણરીતે સંપન્ન થાય તે માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. 

             બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન એ આપણી દેશભક્તિ અને આન-બાન-શાનનું પ્રતીક છે. આ ઉજવણી ઉત્સાહસભર, સુચારૂ અને સુનિશ્ચિત આયોજન સાથે થાય તે અત્યંત જરૂરી છે. કલેક્ટરએ ધ્વજવંદન મંડપ, પરેડ ગ્રાઉન્ડની તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ, સાઉન્ડ સિસ્ટમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુશોભન, પાર્કિંગ, સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ તેમજ વધુમાં વધુ બાળકો અને જિલ્લાના નાગરિકો આ પર્વની ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.

              કલેકટરશ્રીએ કહ્યું કે, ખાસ કરીને ફલડ દરમિયાન જે તે વિભાગના અધિકારી-કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેમજ જે સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO એ તંત્ર સાથે મળીને કામગીરી કરી હોય તેઓનું પણ સન્માન કરવામાં આવશે. 

            બેઠકમાં ડે.મ્યુ. કમિશનર નિધિ સિવાચ, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન, માહિતી સહિત સંબધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment