આર્મી/એરફોર્સ/નેવી/ લશ્કરી દળોમાં જોડાવા ઈચ્છૂક ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    રાજ્યના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી ગીર સોમનાથ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા ૩૦ દિવસના તદ્દન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે.

રહેવા તથા જમવાની સગવડ સાથેના આ તાલીમ વર્ગનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. જેમાં શારીરિક તેમજ લેખીત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે, તો આ પૂર્વ આયોજનનાં ભાગરૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લાના ૧૭.૫ વર્ષ થી ૨૩ વર્ષના પુરૂષ ઉમેદવારોએ તા.૨૧/૦૮/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ ખાતે રૂબરૂ અરજી આપવાની રહેશે.

આ તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત ધો.૧૦માં ૪૫% સાથે અથવા ધો. ૧૨માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ, ઉંમરઃ- ૧૭.૫ વર્ષ થી ૨૩ વર્ષ, ઉંચાઈ – ૧૬૨સે.મી., વજન – ૫૦ કિલોગ્રામ, છાતી – ફૂલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. હોવી જોઈએ.

શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કૂદકો, પુલ-અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ શારીરિક તથા લેખીત તાલીમ આપવામાં આવશે. અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલા ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ એમ ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment