હિન્દ ન્યુઝ, સુરત
યુવા અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત MY Bharat, સુરત દ્વારા સમરસ છાત્રાલય ખાતે નશામુકત ભારતના સંકલ્પ સાથે જનજાગૃતિ અને યુવા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે માય ભારત પ્રેરિત ‘નશામુક્ત યુવા’ ફોર વિકસિત ભારત@૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. ‘નશા મુક્ત યુવા– વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમ યોજાયો હતો. દેશભરમાં એક કરોડથી વધુ યુવાનોને જોડતા આ અભિયાન અંતર્ગત સુરતમાં અંદાજે ૪૦૦થી યુવાનો ઉત્સાહભૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ યુવાનોને નશાના દૂષણથી દૂર રહીને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રેરિત કર્યા હતા.
વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નશો વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્રના ભવિષ્યને નુકસાન પહોંચાડે છે અને યુવાનોની શક્તિ તથા સપનાઓને નષ્ટ કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દરેક યુવાનને પોતાના પરિવાર અને સમાજમાં જાગૃતિ લાવવા તેમજ રમતગમત, યોગ અને સમાજસેવા સાથે જોડાઈ જીવનને નવી દિશા આપવા આહ્વાન કર્યું હતું.
જિલ્લા યુવા અધિકારી અભિષેક ગાયકવાડ દ્વારા MY Bharatની પ્રવૃત્તિઓની માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૌરવ પડાયા દ્વારા યુવાનોને પ્લેટફોર્મ સાથે જોડાવા માર્ગદર્શન પૂરું પડાયું હતું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત યુવાનો અને મહાનુભાવો દ્વારા ‘નશા મુક્ત ભારત’ ના નિર્માણ માટે દ્રઢ સંકલ્પબદ્ધ થઈ પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ નિયામક શ્રીમતી મિતલબેન પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી શ્રીમતી દિવ્યાબેન પલાસ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સલાહકાર ડો. ભૈરવી જોશી, માય ભારતના સ્વયંસેવક આયુષભાઈ તેમજ સમરસ છાત્રાલયના કર્મચારીઓ, સુરત મહાનગરના મહામંત્રી દુર્ગાપ્રસાદજી, વીર નર્મદ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ સહિત અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા હતા.
