વલસાડ જિલ્લામાં ટૂંક સમયમાં “FSAS –Fertilizer Sale Application System” નો પ્રારંભ થશે

હિન્દ ન્યુઝ, વલસાડ

              ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર “FSAS –Fertilizer Sale Application System” એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતશ્રીઓ રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા/સહકારી મંડળી પરથી ખાતર ખરીદતા પહેલા મોબાઈલ મારફતે ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકશે. જેના કારણે ખાતરની ઉપલબ્ધતા અંગે પૂર્વ માહિતી તેમજ ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે.

                      ઉપરોક્ત સિસ્ટમની અમલવારી આગામી ટુંક સમયમાં જિલ્લામાં શરૂ થનાર છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા દ્વારા ખાતર વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, બિનજરૂરી ભીડમાં ઘટાડો થશે તેમજ ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરવામાં સહાય મળશે. જેથી જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરવામાં આવે છે કે, પોતાની ખેડૂત નોંધણી કરાવી તેઓ આ નવી એપ્લિકેશન મારફત ખાતર ખરીદી અંગે માહિતી મેળવી તેનો વધુમાં વધુ લાભ મેળવે તથા આગામી સમયમાં શરૂ થનારી Pre-booking સુવિધાનો ઉપયોગ કરવા માહિતગાર રહે.

                    જિલ્લાના ખાતર વિક્રેતાઓ, સહકારી મંડળીઓ તથા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની તાલુકાના મદદનીશ ખેતી નિયામકની કચેરી તથા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

 

Related posts

Leave a Comment