નારી વંદન ઉત્સવ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, વલસાડ

        મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની પ્રેરણા અનુસાર આયોજિત “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત – વલસાડ દ્વારા આરોગ્ય શાખા હોલ, જૂની મેડિકલ કોલેજ બિલ્ડિંગ, નાનકવાડા, વલસાડ ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ સંમેલન યોજાયું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી (WCO) શ્વેતા આર. દેસાઈદ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી, ઉમરગામ દ્વારા PCPNDT Act અંતર્ગત પ્રસૂતિ પૂર્વ લિંગ નિર્ધારણ પ્રતિબંધ અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, વલસાડના આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી રેણુકાબેન ઉદાર મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડૉ. સ્વાતિ પટેલ દ્વારા મહિલા સ્વાસ્થ્ય અને માસિક સ્વચ્છતા (Menstrual Hygiene) વિષય પર ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રીમતી પૂર્વીબેન રાઠોડ, ચેરપર્સન – જિલ્લા PCPNDT સમિતિ દ્વારા PCPNDT Act, લિંગ નિર્ધારણ પ્રતિબંધ, કાયદાકીય જોગવાઈઓ તેમજ સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં નવજાત જન્મેલ દીકરી માટે ‘દીકરી વધામણાં કીટ’ તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમોનું મહાનુભાવોના હસ્તે લાભાર્થી માતા-પિતાને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીના જન્મને વધાવવાનો, તેના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો તથા સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન PCPNDT અધિનિયમ, મેનસ્ટ્રુઅલ હાઈજિન, મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતા તેમજ “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંગે માહિતીપ્રદ વિડિયો ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ જાગૃતિ સંમેલનમાં મહિલા મેડિકલ ઓફિસરો, મહિલા CHO, ફિમેલ હેલ્થ સુપરવાઈઝરો, આશા ફેસિલિટેટરો, આશાબહેનો તેમજ જિલ્લા આરોગ્ય વિભાગનો સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રતિભાગીઓને “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનને સફળ બનાવવા, દીકરીના જન્મને વધાવવા, તેના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને લિંગ સમાનતા જાળવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment