સુરત જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે નુકસાન સર્વે શરૂ: ૧૧૭ ગામોના ૬,૦૧૦ પરિવારોના સર્વે માટે ૧૩૬ ટીમો કાર્યરત

હિન્દ ન્યુઝ, સુરત 

 સુરત જિલ્લામાં છેલ્લા દિવસોમાં થયેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

તંત્રની સક્રિયતાના ભાગરૂપે હવે જિલ્લા પંચાયત દ્વારા નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જિલ્લાભરના ૧૧૭ ગામોના અંદાજે ૬,૦૧૦ અસરગ્રસ્ત પરિવારોના સર્વે માટે કુલ ૧૩૬ સમર્પિત ટીમો મેદાનમાં તૈનાત કરવામાં આવી છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ આ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને નુકસાનનું સાચું આકલન કરી રહી છે, જેથી રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપનના નિયમો અનુસાર નાગરિકોને ઝડપથી સહાય પહોંચાડી શકાય.

સૌથી વધુ અસર માંગરોળ અને ઓલપાડ તાલુકામાં નોંધાઈ છે. આ ઉપરાંત માંડવી, અરેઠ અને અંબિકા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં પણ સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પૂરથી અપ્રભાવિત નજીકના તાલુકાઓમાંથી તલાટી કમ મંત્રીઓ તથા વધારાના કર્મચારીઓને માંગરોળ અને ઓલપાડ તાલુકામાં વિશેષ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકામાં સર્વેની કામગીરી ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી છે, જ્યારે ઓલપાડ તાલુકાના જે વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, ત્યાં પાણી ઓસરતાની સાથે જ સર્વે ટીમો તાત્કાલિક પહોંચીને સર્વેક્ષણ અને સહાયની કાર્યવાહી શરૂ કરશે.

આપત્તિ બાદ ફેલાઈ શકતી બીમારીઓને રોકવા માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ સંપૂર્ણ સક્રિય છે. અસરગ્રસ્ત ગામોમાં પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન, જળજન્ય તથા ચેપી રોગો અટકાવવા માટે સઘન સર્વેલન્સ, આરોગ્ય તપાસ, સ્ક્રિનિંગ, જરૂરી દવાઓનું વિતરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

વધુમાં, પાણી ઓસરતાની સાથે જ તમામ ગ્રામ પંચાયતોને વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જેના અંતર્ગત ગામોમાંથી કાદવ-કચરો દૂર કરવો, રસ્તાઓ અને જાહેર સ્થળોની સફાઈ કરવી તેમજ જરૂરી સ્થળોએ જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર તેજસ પરમારના નેતૃત્વમાં જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીનાના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા વહીવટી તંત્ર પૂરના આ સમયમાં સંપૂર્ણ સજ્જતા સાથે કાર્યરત છે અને તમામ અસરગ્રસ્ત નાગરિકોને સમયસર સહાય તથા જરૂરી નાગરિક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તમામ વિભાગો પરસ્પર સંકલન સાથે કામ કરી રહ્યા છે.

Related posts

Leave a Comment