ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ

   ડાંગ જિલ્લામાં ગત દિવસો દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે વિવિધ ગ્રામીણ માર્ગો અને કોઝવે પર ભૂસ્ખલન, માટી-પથ્થર અને લાકડાં ધસી આવવાના બનાવો સામે આવ્યા હતા. 

જેને પગલે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી હાથ ધરીને અવરોધાયેલા માર્ગો વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

જે મુજબ (૧) ડાંગના પહાડી વિસ્તારમાં ભારે વરસાદને પગલે ગડદ–ડોન માર્ગ પર ભૂસ્ખલન થતાં માટી અને પથ્થરોનો જમાવડો થયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ક્ષણિક અવરોધિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા JCB સહિતની જરૂરી મશીનરી અને માનવબળ ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યું હતું. પ્રતિકૂળ હવામાન અને સતત વરસાદ વચ્ચે પણ કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને માર્ગ પરથી કાટમાળ સાફ કરી રસ્તો સુગમ બનાવ્યો હતો.

સાથે (૨) ભારે પાણીના પ્રવાહને કારણે જામલાપાડા–ચિવટ ફળિયા માર્ગ પર આવેલા કોઝવેના એપ્રોચ રોડને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત બાજ મલિન રોડ, બાજ VA રોડ અને લહાનદાબદાર-મોટીદાબદાર-નાનાપાડા માર્ગ પર આવેલા બોક્સ કલ્વર્ટ તથા કોઝવેમાં ઝાડના તાણ અને કચરો ફસાવાથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમે અહીં પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી મશીનરીની મદદથી કચરો/લાકડા દૂર કરી, રોડ ક્લીનિંગ અને એપ્રોચ રોડનું ત્વરિત પુનઃસ્થાપન કામ પૂર્ણ કર્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન ડાંગ જિલ્લાના તમામ સંવેદનશીલ માર્ગો, કોઝવે અને પુલ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ગ્રામજનો તથા પ્રવાસીઓને સુરક્ષિત અને અવિરત માર્ગ સુવિધા મળી રહે તે માટે તંત્રના અધિકારીઓ અને મશીનરી ૨૪x૭ સજ્જ છે.

Related posts

Leave a Comment