વડોદરા જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ અને બીમાર પશુઓની સારવાર માટે વિશેષ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, વડોદરા 

   વડોદરા જિલ્લામાં વરસાદી પાણી ઓસરતા પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને આરોગ્યની જાળવણી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ જિલ્લાભરમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ તાલુકાઓમાં સર્વે, રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ અને બીમાર પશુઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવી રહી છે.

તાલુકાવાર હાથ ધરાયેલી મુખ્ય કામગીરી અંતર્ગત સાવલી તાલુકામાં મુવાલ, મોટા મોતીપુરા-પ્રતાપનગર અને વસંતપુરા ગામોમાં પશુ દવાખાના સાવલી અને ટીમ દ્વારા સર્વે હાથ ધરીને જરૂરી રસીકરણ તથા કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પશુપાલકોને આપત્તિ સમયની સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

વાઘોડિયા તાલુકામાં કાશીપુરા, રાજનગર, ભરવાડીયા પુરા અને માણોદર ગામોમાં ડિઝાસ્ટર સર્વેની કામગીરી સાથે ડી-વર્મિંગ વિતરણ અને પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ડેસર તાલુકામાં વેજપુર સહિત તાલુકાના વધુ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓનો સર્વે કરી જરૂરિયાત મુજબ સારવાર અને દવાઓનું વિતરણ શરૂ કરાયું છે.

કરજણ તાલુકામાં સમારા, સમારી, મેથી અને કહોના ગામોમાં સર્વે હાથ ધરી બીમાર પશુઓની સારવાર અને કૃમિનાશક દવા આપવાની સાથે યોગ્ય સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા.

 અન્ય વિસ્તારો જેમાં પૂર અસરગ્રસ્ત ગામ ભીલાપુર ખાતે પશુઓમાં રસીકરણ, ડી-વર્મિંગ અને બીમાર પશુઓની ત્વરિત સારવારની કામગીરી હાથ ધરાઇ હતી. વેમાલી ગામે પણ ડિઝાસ્ટર સર્વેની કામગીરી અંતર્ગત પશુઓમાં ડી-વર્મિંગ અને વિશેષરૂપે ગળસુંઠા રોગ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું. સલાડ ગામે ડિઝાસ્ટર અન્વયે સર્વે અને ડી-વર્મિંગ દવાઓનું વિતરણ હાથ ધરાયું હતું. 

 

Related posts

Leave a Comment