હિન્દ ન્યુઝ, ડાંગ
ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા આજે સવારે 10:00 વાગ્યે જાહેર કરાયેલા Nowcast અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે ડાંગ સહિત તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા સહિતના જિલ્લાઓમાં ગાજવીજની સંભાવના પણ દર્શાવી છે. તેથી નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે, વીજળીના થાંભલા, મોટા વૃક્ષો તથા નબળાં મકાનોની નજીક ઊભા ન રહે, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. જ્યારે ખેડૂતોને પશુધનને સુરક્ષિત સ્થળે રાખવા, કૃષિ કામગીરીમાં સાવચેતી રાખવા તથા ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ન રહેવાની સલાહ આપવામાં આવે છે.
જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી અધિકૃત સ્ત્રોતોથી મળતી હવામાન માહિતી પર જ વિશ્વાસ રાખવા તથા કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સંબંધિત વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
દરમિયાન ડાંગ જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ આ ચાર કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨૧ મી.મી. વરસાદ નોંધાયો છે.
તાલુકાવાર નોંધાયેલા વરસાદની પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આહવા તાલુકામાં ૧૭ મી.મી., વઘઈ તાલુકામાં ૧૫ મી.મી. તથા સુબીર તાલુકામાં ૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ વરસાદની સ્થિતિ મુજબ આહવા તાલુકામાં ૧૭૫૬ મી.મી., વઘઈમાં ૨૦૧૧ મી.મી. અને સુબીર તાલુકામાં ૧૫૫૦ મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાના ત્રણેય તાલુકાનો સરેરાશ સંચિત વરસાદ ૧૭૭૨.૩૩ મી.મી. રહ્યો છે.
