હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ગુરૂવારે સવારે ઔરંગા નદીના કાંઠે વિઝિટ લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ દરમિયાન જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે, છેલ્લા ૧૨ કલાક દરમિયાન અપેક્ષા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવરટોપિંગ) તેમને સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની વધારાની ટીમો તેમજ અધિકારીઓ મોકલવામાં આવી રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર સતત ફિલ્ડમાં રહીને રાહત અને બચાવની કામગીરીમાં વ્યસ્ત છે.
જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, અફવાઓથી દૂર રહે અને માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરે. આપનો સહયોગ સૌની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.
