વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે વહીવટી તંત્રની જનતાને અપીલ

હિન્દ ન્યુઝ, વલસાડ

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે જિલ્લાના નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા તેમજ કોઈપણ કારણ વગર ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી છે.

વરસાદ દરમિયાન ઘણા લોકો પાણી જોવા અથવા પરિસ્થિતિ નિહાળવાના બહાને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા હોય છે. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક થવાના કારણે બચાવ તેમજ રાહત કામગીરીમાં તંત્રને મુશ્કેલી ઉભી થાય છે.

કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોને જનહિતમાં અનુરોધ કર્યો છે કે, અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે, જેથી જરૂરિયાતમંદો સુધી રાહત અને બચાવ ટુકડીઓ સમયસર પહોંચી શકે.

Related posts

Leave a Comment